પીપળીયારાજ ગામે રસ્તા પર ઢોરને સાઇડમાં લેવા બાબતે બોલાચાલી બાદ ખેડૂત પર લાકડીથી હુમલો કરી માથામાં ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે.
વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે રહેતા ઇલ્યુદીનભાઈ મામદભાઈ માથકીયા ઉવ.૪૬ ગત તા.૦૯/૦૯ના રોજ પત્ની સાથે પાવર ટીલર ટ્રેક્ટર-ટ્રોલીમાં વાડી તરફ જતા હતા. તે દરમિયાન જોરીયા વેણ નવી સોસાયટી પાસે રસ્તામાં આરોપી હિરાભાઈ જેસાભાઈ ટોટા બકરા-ગાયો લઈ જતા હોવાથી ઇલ્યુદીનભાઈએ રસ્તો આપવા ઢોરને સાઇડમાં લેવા કહેતા આરોપી હિરાભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. જે બાદ આરોપીએ લાકડી ઇલ્યુદીનભાઈના માથામાં મારતા ઇજાગ્રસ્ત હાલતમાં તેમને વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ લઈ જવાયા હતા. હુમલા બાદ આરોપીએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.






