વાંકાનેરના બોકડથંભા ગામે સાસુની બીમારીની ખબર કાઢવા સગા સાથે આવેલી અજાણી મહિલાએ પીઠમાં ખંજવાળ આવતી હોવાનું બહાનું કરી કપડાં બદલવા રૂમમાં જઈ તિજોરીમાંથી સોનાની બુટી અને ચાંદીના સાકળા મળી કુલ રૂ.૬૩ હજારની ચોરી કરી હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
વાંકાનેર તાલુકાના બોકડથંભા ગામે રહેતા શોભનાબેન ભરતભાઈ દેવસીભાઈ સરાવાડીયા ઉવ.૪૦ વાળાના ઘરે ગત તા.૦૫/૦૮/૨૦૨૬ના રોજ તેમના સાસુ બીમાર હોય જેથી તેમના ખબર અંતર પૂછવા માટે સબંધી મનિષાબેન એક અજાણી મહિલા સાથે આવ્યા હતા. દરમિયાન અજાણી મહિલાએ પીઠમાં ખંજવાળ આવતી હોવાનું કહી પીઠમાં પાવડર લગાવ્યો હતો અને કપડાં બદલવાના બહાને રૂમમાં જઈ અંદરથી દરવાજો બંધ કરી જ્યાં તિજોરીમાં રહેલ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. જે ચોરી બાબતે ફરિયાદી અને તેમના ઘરના સભ્યો અજાણ હતા.
પરંતુ ગઈકાલ તા.૧૦/૦૯/૨૦૨૬ના રોજ રાજકોટ પોલીસ દ્વારા ઉપરોક્ત અજાણી મહિલા પકડાઈ જતા તેઓ તરફથી ફરિયાદીને જાણ કરવામાં આવતા, પરિવારજનોએ તિજોરી તપાસતા સોનાની બુટીની બે જોડ આશરે ૧૩ ગ્રામ કિ.રૂ.૫૦,૦૦૦/- તથા ચાંદીના જાડા સાકળા આશરે ૩૦૦ ગ્રામ કિ.રૂ.૧૩,૦૦૦/- મળી કુલ રૂ.૬૩,૦૦૦/-ના દાગીના ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે સમગ્ર ચોરીના બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે આરોપી અજાણી મહિલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.






