રૂ.૬ લાખના દાડમ રેઇન ફ્રુટ કંપનીમાં પહોંચાડવાના હતા, ટ્રક-માલિક અને ચાલકના મોબાઇલ બંધ આવતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ.
હળવદના માનસર ખાતેથી ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે મોકલવામાં આવેલા આશરે રૂ.૬ લાખની કિંમતના ૧૨ ટન દાડમ ઉત્તરપ્રદેશની ફ્રુટ કંપનીમાં ન પહોંચતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ટ્રાન્સપોર્ટર અને ટ્રક ચાલકના મોબાઇલ ફોન બંધ આવતા તેમજ બંનેની ભાળ ન મળતા ૧૮ દિવસ બાદ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, ગીતા કોટેજ-૩ મ.નં.૧૨૨ સિવિલ એરપોર્ટ રોડ ભુજ (કચ્છ)ના ટ્રાન્સપોર્ટર બલ્કારસિંગ ગુરમુખસિંગ ભટ્ટીએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, ગત તા.૨૬/૦૮/૨૦૨૬ના રોજ હળવદથી ગોરખપુર ઉત્તરપ્રદેશ ખાતે દાડમનો જથ્થો મોકલવા માટે ૧૨ ટનની ગાડીની જરૂરિયાત હોવાથી બ્લેકબુક એપ્લિકેશન મારફતે વાહન લખાવેલ, જે બાદ પવનકુમાર વિનોદકુમાર બાજપાઈએ સંપર્ક કરી ગાડી નં. યુપી-૭૮-જેએન-૫૯૫૫ રૂ.૯૩,૦૦૦/-ના ભાડેથી હળવદથી ગોરખપુર લઈ જવા ભાડું નક્કી કરાયું હતું અને ગાડીનો ચાલક મુકેશભાઈ હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન હળવદના માનસર ખાતેથી તા.૨૬/૦૮/૨૦૨૬ની રાત્રે ૧૨ ટન દાડમ કિ.રૂ.૬ લાખ ટ્રકમાં ભરવામાં આવ્યા હતા અને તા.૨૭/૦૮ના રોજ બીલ્ટી બનાવી દાડમનો જથ્થો સીક્રીગંજ ગોરખપુર ખાતે રેઇન ફ્રુટ કંપનીમાં પહોંચાડવા માટે ટ્રક રવાના કરવામાં આવ્યો હતો. જોકે તા.૨૯/૦૮ના રોજ રેઇન ફ્રુટ કંપનીમાંથી જાણ કરી કે, મોકલેલ દાડમ ભરેલ ગાડી હજુ સુધી પહોંચી નથી. આ દરમિયાન ટ્રક ચાલક મુકેશભાઈ તથા ટ્રાન્સપોર્ટર પવનકુમારના મોબાઇલ ફોન બંધ આવતા ફરિયાદી દ્વારા અન્ય ટ્રાન્સપોર્ટરો મારફતે તપાસ કરાવવામાં આવી હતી, પરંતુ ગાડી, દાડમનો જથ્થો કે બંને વ્યક્તિઓની કોઈ ભાળ મળી ન હતી. હાલ હળવદ પોલીસે આરોપી ટ્રાન્સપોર્ટર પવનકુમાર વિનોદકુમાર બાજપાઈ તથા ટ્રક ચાલક મુકેશભાઈ વિરુદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.






