મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા જાહેર માર્ગો પર અડચણરૂપ બનતા રખડતા પશુઓને પકડવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે. આ અઠવાડિયા દરમિયાન વધુ ૨૭ પશુઓ પકડાયા છે. મહાનગરપાલિકા બન્યા બાદ આજદિન સુધીમાં કુલ ૩,૭૯૨ પશુઓ પકડવામાં આવ્યા છે.
મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા તા.૧૬/૦૯/૨૦૨૬ સુધીમાં શહેરના વિવિધ વિસ્તારો તથા જાહેર માર્ગો પરથી રખડતા અને અડચણરૂપ બનતા કુલ ૩,૭૯૨ પશુઓ પકડવામાં આવ્યા છે. આ અઠવાડિયા દરમિયાન પણ ૨૭ પશુઓ પકડવામાં આવ્યા હતા. પકડાયેલા પશુઓને મોરબી જીલ્લાની આસપાસની ગૌશાળા, નંદીઘર તથા પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે. આ સાથે મહાનગરપાલિકા હસ્તકના નંદીઘરમાંથી પણ ૬૦૦થી વધુ પશુઓને જુદી-જુદી ગૌશાળા તથા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા છે.
ANCD શાખા દ્વારા અત્યાર સુધીમાં ૩૦૬ પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે, જ્યારે ૨૧ પશુ માલિકોના લાયસન્સ રિન્યૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત ૩૩ લોકોને ઘાસ વેચાણ માટે પરમિટ આપવામાં આવી છે અને ૨ ઘાસ વેચાણ પરમિટ રિન્યૂ કરવામાં આવી છે. પેટડોગ અંગેની કામગીરીમાં ૪૯ નાગરિકોના પેટડોગનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે તથા ૭ ડોગ લાઇસન્સ પરમિટ રિન્યૂ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા પશુ માલિકોને પોતાના પશુનું રજીસ્ટ્રેશન કરાવવા તેમજ પેટડોગ માલિકોને પોતાના પેટડોગનું રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ ૨,૯૨૦ પશુઓનું RFID તથા ટેગિંગ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં પણ RFID અને ટેગિંગની કામગીરી તેમજ જાહેર માર્ગો પરથી રખડતા પશુઓને પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેમ ANCD શાખા દ્વારા જણાવાયું છે.






