Tuesday, September 22, 2026
HomeGujaratચરાડવા ગામે ગોડાઉનમાંથી જીરું ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર ઝડપાયા, ત્રણ ફરાર

ચરાડવા ગામે ગોડાઉનમાંથી જીરું ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર ઝડપાયા, ત્રણ ફરાર

મોરબી એલસીબી ટીમે ચોરીમાં ગયેલા જીરાના ૯૨ બાચકા સહિત રૂ.૧૨.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં આવેલી ભવાની ઓઇલ મીલના ગોડાઉનમાંથી ૧૦૨ બાચકામાં ભરેલું ૨૮૦ મણ જીરું રૂ.૧૦.૬૪ લાખની કિંમતનું ચોરી થયાના ગુનાનો મોરબી એલસીબીએ ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા જીરાના ૯૨ બાચકા ઉપરાંત બોલેરો મેક્સી ટ્રક સહિત કુલ રૂ.૧૨,૭૭,૮૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ હાલ ફરાર છે.

હળવદ પોલીસ સ્ટેશનમાં તા.૧૮/૦૯ના રોજ જીરું ચોરી અંગે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જેની ફરિયાદ મુજબ મોરબી હાઇવે રોડ પર ચરાડવા ગામની સીમમાં આવેલી ભવાની ઓઇલ મીલના ગોડાઉનમાં ફરિયાદી અને તેમના ચાર ભાઇઓની સંયુક્ત ખેતીની ઉપજના જીરાના રાખવામાં આવેલ બાચકામાંથી કુલ ૧૦૨ બાચકા ૨૮૦ મણ જીરું કિ.રૂ.૧૦.૬૪ લાખ તે ગત તા.૧૫/૦૯ના સવારે ૧૦ વાગ્યા પહેલા કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. ઉપરોક્ત ચોરીના ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી એલસીબી મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન મળેલી ચોક્કસ હકીકતના આધારે મોરબી-ચરાડવા-હળવદ રોડ પર આઈટીઆઈ સામે જીઈબી સબ સ્ટેશન પાછળ દેવીપૂજકના ઝુંપડા પાસે પોલીસે તપાસ હાથ ધરતા જ્યાં ચોરીના મુદ્દામાલ સાથે આરોપી સુરજભાઇ ઉર્ફે સુરો સુખાભાઇ સોલંકી રહે.મોરબી મુળ રહે. મોટાકાજલીયાળા જી.જુનાગઢ, સુનિલ મુકેશભાઇ સોલંકી રહે. મોરબી મુળ રહે.દેવળીયા તા.જી.અમરેલી, ભોલુ ઉર્ફે ભોલો ઠાકરશીભાઇ વિરમગામીયા રહે.સરધાર તા.જી.રાજકોટ તથા રાહુલ વિજયભાઇ દસકીયા રહે. મોરબી મુળ રહે.માધાપર(શામપર) તા.જોડીયા જી.જામનગર વાળા સહિત ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે અરવિંદ ઉર્ફે પતક મુકેશભાઇ સોલંકી, વિશાલ ઉર્ફે ભદો દેવીપૂજક અને વાઘજી દેવીપૂજકના નામ ખુલતા તેઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.

આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા જીરાના ૯૨ બાચકા વજન ૨૩૧ મણ કિ.રૂ.૮,૭૭,૮૦૦/-, બોલેરો મેક્સી ટ્રક રજી.નં. જીજે-૧૭-યુયુ-૫૧૭૫ કિ.રૂ.૪ લાખ સહિત કુલ રૂ.૧૨,૭૭,૮૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપી સુરજભાઇ ઉર્ફે સુરો સુખાભાઇ સોલંકી સામે અગાઉ મોરબી શહેરના એ ડિવિઝન, મોરબી તાલુકા, રાજકોટ એરપોર્ટ અને ગોંડલ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન, જીપી એક્ટ તથા ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. જ્યારે સુનિલ મુકેશભાઇ સોલંકી સામે માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં IPC કલમ ૩૭૯ હેઠળનો તથા મોરબી શહેર એ ડિવિઝનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે.

મોરબી પોલીસે ખેડૂતોને પણ અપીલ કરી છે કે ખેતીની ઉપજનો જથ્થો જ્યાં સંગ્રહ કરવામાં આવે ત્યાં સીસીટીવી કેમેરા, ઇમરજન્સી લાઇટ અને મજબૂત લોખંડના દરવાજા તેમજ એકથી વધુ તાળાંની વ્યવસ્થા રાખવી, શક્ય હોય ત્યાં ચોકીદાર રાખવો અને આસપાસ કોઇ શંકાસ્પદ વાહન કે વ્યક્તિ નજરે પડે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી. આ પ્રકારની સાવચેતી રાખવાથી કિંમતી ખેત પેદાશોની ચોરી અટકાવવામાં મદદ મળી શકે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!