વિદેશી દારૂના ૯૬ ચપલા અને બિયરના ૭૨ ટીન સહિત રૂ.૨૨ હજારથી વધુનો મુદામાલ જપ્ત, આરોપી ફરાર.
મોરબીના વીસીપરા વિસ્તારમાં ગુલાબનગર ચાર ગોદામ નજીક પોલીસે બાતમીના આધારે મજન પાછળની ઓરડીમાં દરોડો પાડી રૂ.૨૨,૬૦૮/-ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન આરોપી સ્થળ ઉપર મળી ન આવતા તેને ફરાર જાહેર કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, વીસીપરા ગુલાબનગર ચાર ગોદામ પાસે રહેતા તોફિક ઉર્ફે બોદુ સિકંદરભાઈ પામા પોતાના રહેણાંક પાછળ આવેલી ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોય જેથી તુરંત બાતમી મુજબના સ્થળે પોલીસે દરોડો પાડ્યો હતો.
જ્યાં ઉપરોક્ત ઓરડીમાં તપાસ દરમિયાન કિંગફિશર સ્ટ્રોંગ બિયરના ૭૨ ટીન, વિદેશી દારૂની ૮પીએમ વ્હિસ્કીની અને ગ્રીન લેબલ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની કુલ ૯૬ બોટલ મળી કુલ રૂ.૨૨,૬૦૮/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જોકે દરોડા સમયે આરોપી તોફિક ઉર્ફે બોદુ હાજર મળી આવ્યો ન હતો. જેથી પોલીસે દારૂ-બિયરનો જથ્થો કબજે કરી આરોપીને ફરાર દર્શાવી આગળની તજવીજ શરૂ કરી છે.






