મોરબી-૨: ભડીયાદ કાંટા પાસે કરીયાણાની દુકાન સામે સુવાની ના પાડ્યાના જૂના મનદુઃખમાં પ્રભુ સુરેલા નામના વ્યક્તિએ દુકાનદાર ઉપર છરીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યારે ઇજાગ્રસ્ત વેપારીને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.
મોરબીના ભડીયાદ કાંટા નજીક એમ.જી. મહેતા કોલેજ સામે હરિઓમ કિરાણા સ્ટોર ચલાવતા ૪૩ વર્ષીય મોહીન્દ્રભાઈ મગનભાઈ અધારા રહે. ભડીયાદ ગામ મેઈન રોડ મોરબી-૨ વાળાએ પ્રભુ સુરેલા રહે. ભડીયાદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ત્રણેક માસ અગાઉ દુકાન સામે સુવાની ના પાડ્યાનો ખાર રાખી આરોપી પ્રભુ સુરેલાએ ગઈકાલ તા.૦૩/૧૦ના સવારે મોહીન્દ્રભાઈ દુકાને હતા ત્યારે આરોપી પ્રભુ સુરેલા ત્યાં આવ્યો હતો. અને મોહીન્દ્રભાઈની ડાબી આંખ નીચે નાક પાસે છરી મારી ઇજા કરી હતી. બાદમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઝપાઝપી થઈ હતી. ત્યારે લોકો ભેગા થઈ જતા આરોપી ત્યાંથી જતો રહ્યો હતો. ઇજાગ્રસ્ત વેપારીને મોરબી સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ બી ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી આરોપીની અટક કરવા તપાસ શરૂ કરી છે.






