‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સશસ્ત્ર દળ સન્માન સમારોહ યોજાયો: આચાર્ય ગોપાલજીએ શિક્ષકોની ભૂમિકા અંગે પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું.
મોરબીના વિરપર સ્થિત નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન કેમ્પસ ખાતે રાષ્ટ્રભાવનાને કેન્દ્રમાં રાખીને બે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં જીલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં વીર સૈનિકો અને તેમના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે સ્ટાફ સેમિનારમાં આચાર્ય ગોપાલજીએ શિક્ષકોને રાષ્ટ્રનિર્માણ, સંસ્કારઘડતર અને રાષ્ટ્રીય મૂલ્યોના જતન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મોરબીના વિરપર સ્થિત નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે જીલ્લા વહીવટી તંત્રના ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સશસ્ત્ર દળ સન્માન સમારોહ યોજાયો હતો. જીલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં દેશની સુરક્ષા માટે સમર્પિત વીર સૈનિકો અને તેમના પરિવારજનોનું સન્માન કરી તેમના શૌર્ય, ત્યાગ અને રાષ્ટ્રસેવાને બિરદાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત સ્ટાફ સેમિનારમાં આચાર્ય ગોપાલજીએ શિક્ષકોની રાષ્ટ્રનિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અંગે પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું. તેમણે શિક્ષકો વિદ્યાર્થીઓમાં જ્ઞાનની સાથે સંસ્કાર, ચારિત્ર્ય, માનવતા અને દેશપ્રેમની ભાવના કેળવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. સાથે જ આધુનિક ટેક્નોલોજીના જવાબદારીપૂર્વક ઉપયોગ અને રાષ્ટ્રીય મૂલ્યોના જતન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાએ જણાવ્યું હતું કે સૈનિક દેશની સરહદોની રક્ષા કરે છે, જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને સંસ્કારનું સિંચન કરી દેશનું ભવિષ્ય ઘડે છે. બંને કાર્યક્રમો દ્વારા દેશભક્તિ, કર્તવ્યભાવ અને રાષ્ટ્રગૌરવનો સંદેશ આપવામાં આવ્યો હતો.






