મોરબીના પીપળી ગામ નજીક નાયરા પેટ્રોલ પંપ સામે રોડની સાઈડમાં મોટરસાયક સવાર આધેડને અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઇજાગ્રસ્ત દિનેશચંદ્ર કાનાણીને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો.
મોરબી તાલુકાના પીપળી ગામ નજીક નાયરા પેટ્રોલ પંપ સામે ગત તા.૦૩/૧૦ના રોજ રાત્રિના આશરે પોણા આઠ વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ બન્યો હતો. દિનેશચંદ્ર કાનાણી રહે. ૧૦૧ પાટીદાર પેલેસ શ્યામ પાર્ક સોસાયટી કેનાલ રોડ મોરબી વાળા અને જતીનભાઈ અશોકભાઈ શેરસીયા સ્પ્લેન્ડર મોટરસાયકલ નં. જીજે-૩૬-જે-૨૯૪૯ લઈને ઈલોક્ષ ટાઈલ્સ કારખાનેથી મહેન્દ્રનગર ચોકડી તરફ હાર્ડવેરની વસ્તુ લેવા જઈ રહ્યા હતા. ત્યારે મોટર સાયકલ જતીનભાઈ ચલાવતા હતા.
આ દરમિયાન રામદેવ હોટલ બાજુમાં નાયરા પેટ્રોલ પંપ સામે મોટરસાયકલ રોડની સાઈડમાં ઉભું રાખવામાં આવ્યું હતું. તે સમયે કોઈ અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી મોટરસાયકલની નજીકથી પસાર થતી વખતે દિનેશચંદ્ર કાનાણીને હડફેટે લીધા હતા. અકસ્માતમાં તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી નાસી ગયો હતો. બનાવ અંગે મૃતકના પુત્ર મિતભાઈ કાનાણીની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.






