લાકડી અને બેલ્ટ વડે માર મારનાર ત્રણ શખ્સો સામે ગુનો દાખલ.
વાંકાનેર ટાઉન વિસ્તાર લક્ષ્મીપરામાં દિયરે ત્રણ પૈકી એક આરોપીના મામી સાથે પ્રેમલગ્ન કર્યા હતા જેનો ખાર રાખી દંપતી તથા તેમના પુત્રને લાકડી અને બેલ્ટ તથા આડેધડ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. બનાવની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નં.૨ માં રહેતા સાહીનબેન વસીમભાઈ અબ્દુલકરીમભાઈ અમરેલીયા ઉવ.૪૧ વાળાએ લક્ષ્મીપરામાં રહેતા આરોપી અલ્ફેઝ અલીમામદ માણેકીયા, મેહુલ ઠાકોર તથા એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ મુજબ, અગાઉ ફરિયાદીના દિયર તનવીરભાઈએ આરોપી અલ્ફેઝ અલીમામદ માણેકીયાના મામી સાથે પ્રેમલગ્ન કર્યા હોય જેનો ખાર રાખી ગત તા.૪ ઓક્ટોબરની રાત્રે આરોપી અલ્ફેઝ અલીમામદ માણેકીયા, મેહુલ ઠાકોર તથા એક અજાણ્યો શખ્સ મોટરસાઇકલ લઈને તનવીરભાઈના ઘર પાસે આવ્યા હતા. જ્યાં બોલાચાલી બાદ આરોપી અલ્ફેઝે લાકડી વડે ફરિયાદીના પતિના માથામાં માર માર્યો હતો, જ્યારે અજાણ્યા શખ્સે બેલ્ટ વડે ફરિયાદી સાહીનબેન તથા તેમના પુત્ર અયાનને માર માર્યો હતો. મારામારીમાં વસીમભાઈને માથામાં ઈજા થતાં વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ ટાંકા લેવામાં આવ્યા હતા. હાલ સમગ્ર બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.






