પદ્મશ્રી ડો. એચ. એલ. ત્રિવેદીના પિતૃક મકાનમાં ડો. જગદીશ ત્રિવેદીએ નિર્માણ કરાવ્યું પુસ્તકાલય.
હળવદ તાલુકાના ચરાડવા ગામે પદ્મશ્રી ડો. એચ. એલ. ત્રિવેદીના જન્મસ્થળ એવા પિતૃક મકાનમાં ડો. જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત જાહેર પુસ્તકાલયનું ભાગવતકથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ડો. એચ. એલ. ત્રિવેદીની પોતાના પિતૃક મકાનમાં જાહેર પુસ્તકાલય બનાવવાની ઈચ્છા હતી, જે ડો. જગદીશ ત્રિવેદી દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.
ચરાડવા ગામે ગઈકાલ તા. ૫ ઓક્ટોબરના રોજ યોજાયેલા પુસ્તકાલયના લોકાર્પણ પ્રસંગે ડો. એચ. એલ. ત્રિવેદીના ધર્મપત્ની સુનિતાબહેન ત્રિવેદી, પુસ્તકાલયના દાતા પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પદ્મશ્રી હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડ, ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના કુલપતિ ટી. એસ. જોષી, નરસિંહ મહેતા યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. ચેતનભાઈ ત્રિવેદી, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ડો. એચ. એલ. ત્રિવેદીની ઈચ્છા મુજબ તેમના પિતૃક મકાનમાં જાહેર પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. ડો. જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત આ ૧૧મું પુસ્તકાલય હોવાનું જણાવાયું છે. પુસ્તકાલયના નિર્માણ અને સમગ્ર કાર્યક્રમના સંકલનમાં મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી તપન દવે તથા દર્શન વિદ્યાલય, સુરેન્દ્રનગરના સંચાલક મહેશભાઈ કાનાણીએ સહયોગ આપ્યો હતો. જ્યારે પુસ્તકાલયનું સમગ્ર સંચાલન ચરાડવા ગૌશાળાના સેવક ચમનભાઈ દ્વારા કરવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.






