રેન બસેરાના આશ્રિતો અને જરૂરિયાતમંદ પરિવારોને મલ્ટીપ્લેક્સમાં ‘હનુમાન અંશ’ ફિલ્મ બતાવી.
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા મહારાણી નંદકુંવરબા રેન બસેરાના આશ્રિતો તેમજ પછાત અને જરૂરિયાતમંદ વિસ્તારોના પરિવારો માટે ‘હનુમાન અંશ’ ફિલ્મનું નિઃશુલ્ક વિશેષ શોનું આયોજન કરાયું હતું. બાળકોથી લઈને વડીલો સુધીના લોકોને મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ નિહાળવાનો આનંદ અને સન્માનભર્યો અનુભવ કરાવી “આનંદ પર સૌનો અધિકાર”નો સંદેશ આપવામાં આવ્યો હતો.
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સમાજના દરેક વર્ગને આનંદ, મનોરંજન અને સાંસ્કૃતિક અનુભૂતિની સમાન તક મળે તેવા હેતુથી આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે મલ્ટીપ્લેક્સમાં પરિવાર સાથે ફિલ્મ જોવાનો અવસર ન મળતા આશ્રિતો અને જરૂરિયાતમંદ પરિવારોને ‘હનુમાન અંશ’ ફિલ્મ નિઃશુલ્ક બતાવવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોમાં ઉત્સાહ અને વડીલોના ચહેરા પર આનંદ જોવા મળ્યો હતો. ધાર્મિક અને પ્રેરણાત્મક ભાવ ધરાવતી ફિલ્મ દ્વારા શ્રદ્ધા, સાહસ, સમર્પણ અને સેવાભાવનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
યંગ ઇન્ડિયા ગ્રૂપના સ્થાપક અને માર્ગદર્શક ડો. દેવેન રબારીએ જણાવ્યું હતું કે સેવા માત્ર જરૂરિયાત પૂરી કરવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ દરેક વ્યક્તિને સન્માન અને સમાનતાની અનુભૂતિ કરાવવી પણ સેવાનું મહત્વનું સ્વરૂપ છે. સમાજના વંચિત વર્ગને માત્ર દુઃખમાં જ નહીં પરંતુ આનંદની ક્ષણોમાં પણ સહભાગી બનાવવો જોઈએ. યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા અગાઉ પણ વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓના માધ્યમથી જરૂરિયાતમંદ અને વંચિત વર્ગને મુખ્ય પ્રવાહ સાથે જોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.






