હળવદ તાલુકાના કોયબા રોડ પર રંગીલા હનુમાનજી મંદિર તરફ જવાના રસ્તા પાસે રોઝડું આડું આવતા મોટરસાયકલ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા 70 વર્ષીય વૃદ્ધનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું.
આ બનાવની મળતી વિગત મુજબ, હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા કાળુભાઈ અમરશીભાઈ સાબરીયા (ઉ.વ. 70) તેમના પુત્રના નામે નોંધાયેલ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નં. GJ-36-AN-3630 લઈને જઈ રહ્યા હતા. તેમની પત્ની વસંતબેન બાઈક પાછળ બેઠા હતા.તા. 4 ઓક્ટોબરના રોજ સવારે હળવદ-કોયબા રોડ પર રંગીલા હનુમાનજી તરફ જવાના રસ્તા પાસે અચાનક રોઝડું રોડ ઉપર આડું આવતા મોટરસાયકલ તેની સાથે અથડાયું હતું. અકસ્માતમાં કાળુભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમના પત્ની વસંતબેનને સામાન્ય ઇજા થઈ હતી.ગંભીર ઇજાગ્રસ્ત કાળુભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.






