એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની કાર્યવાહી: એક આરોપી ખીરઈથી અને મહિલા આરોપી મોરબી ગ્રીન ચોક ખાતેથી ઝડપાઈ.
સરહદી રેન્જ ભુજની સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે કાર્યવાહી કરી લૂંટ સહિતના ગુનામાં નાસતા ફરતા રણમલ ઉર્ફે મુખી દિલાવરભાઈ સામતાણી અને પ્રોહિબીશનના ગુનામાં નાસતી ફરતી મહિલા આરોપી મુસ્કાનબેન અબ્બાસભાઈ કટીયાને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓને સંબંધિત પોલીસ મથકે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ દ્વારા તા. ૦૧/૧૦થી તા. ૧૫/૧૦ સુધી નાસતા ફરતા આરોપીઓ તેમજ તપાસમાં બાકી આરોપીઓને ઝડપી પાડવા સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ટેકનિકલ માધ્યમ, હ્યુમન સોર્સીસ અને ખાનગી બાતમીદારોની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન મળેલી બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ મથકના લૂંટ સહિતના ગુનામાં નાસતો ફરતો આરોપી રણમલ ઉર્ફે મુખી દિલાવરભાઈ સામતાણી ઉવ.૪૩ રહે. ખીરઈ, તા. માળીયા(મી) વાળો તેના રહેણાક મકાનેથી મળી આવતા ઝડપી પાડવામાં આવ્યો હતો અને મોરબી તાલુકા પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.
આ ઉપરાંત વાંકાનેર સીટી પોલીસ મથકના સી-પાર્ટ પ્રોહિબીશન એક્ટ હેઠળના ગુનામાં નાસતી ફરતી મહિલા આરોપી મુસ્કાનબેન અબ્બાસભાઈ કટીયા ઉવ.૨૧ રહે. માળીયા વનાળીયા સોસાયટી મોરબી-૨ ને મહિલા પોલીસ કર્મચારી સાથે રાખી મોરબીના ગ્રીન ચોક ખાતેથી ઝડપી પાડવામાં આવી હતી. બાદમાં તેને વાંકાનેર સીટી પોલીસ મથકે સોંપવામાં આવી છે.






