મોરબી:મોરબીમાં સગીર વયની અને અનુસૂચિત જાતિની સગીરાને બળજબરીથી મોટરસાઇકલ પર બેસાડી જઈ અવારનવાર દુષ્કર્મ આચરવાના ગુનામાં મોરબીની સ્પેશિયલ પોક્સો અને એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
કેસની વિગત મુજબ તા. ૧૮-૦૩-૨૦૨૪ ના રોજ બપોરના ૨:૩૦ વાગ્યાના અરસામાં મોરબી સીટી બી ડીવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી જીગ્નેશભાઇ ઉર્ફે ભીખો રમેશભાઇ ગણેશીયાએ સગીરા અનુસૂચિત જાતિની હોવાનું જાણવા છતાં તેને પોતાની મોટરસાઇકલ પર બળજબરીથી લઈ જઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધી ગુનો આચર્યો હતો. આ અંગે ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.તપાસ એજન્સી દ્વારા આરોપી સામે આઈપીસી, પોક્સો એક્ટ તથા એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ પુરતો પુરાવો મળી આવતા સ્પેશીયલ (પોક્સો) કેસ સહિત ચાર્જશીટ કોર્ટમાં રજું કરાયું હતું.
આ કેસ મોરબીના સ્પેશિયલ (પોક્સો) અને એડિશનલ સેશન્સ જજ બી.કે. ચંદારાણા સાહેબની કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. પ્રોસીક્યુશન તરફથી કુલ ૧૩ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. મોરબીના મદદનીશ સરકારી વકીલ નીરજ ડી. કારીઆની ધારદાર દલીલો, ફરીયાદી, ભોગબનનાર તથા મેડીકલ ઓફીસરની જુબાની અને પુરાવાઓને ધ્યાને રાખી કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો.જેમાં પોક્સો એક્ટની કલમ-૬ અન્વયે આરોપીને ૨૦ (વીસ) વર્ષની સખત કેદ અને રૂ. ૨૫,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ કરાયો છે.તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ: એટ્રોસિટી એક્ટની કલમ-૩(૧), ૩(૧)(W)(i) હેઠળ ૩ (ત્રણ) વર્ષની સખત કેદ અને રૂ. ૩,૦૦૦/- નો દંડ કરાયો છે. દંડ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદ ભોગવવાની રહેશે તેમજ ભોગબનનાર સગીરાના આર્થિક, સામાજિક અને માનસિક પુનર્વસન માટે કોર્ટે રૂ. ૪,૦૦૦,૦૦/- (ચાર લાખ) વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.






