જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી: હોટલ સંચાલક અને અન્ય એક શખ્સ સામે ગુનો નોંધાયો.
ટંકારાના વિરપર ગામ નજીક મોરબી-રાજકોટ હાઈવે પર એક્સિસ બેંક સામે આવેલી કાદરી હોટલમાં જમવાના ઓર્ડરમાં વિલંબ થતાં બોલાચાલી થઈ હતી. આ દરમિયાન હોટલ સંચાલકે વિરપર ગામના યુવકને જાતી પ્રત્યે અપમાનિત કરી અન્ય એક શખ્સ સાથે મળી યુવકને ઢીકાપાટુનો માર માર્યો હતો. જે બાદ હોટલ સંચાલકે યુવકના માથાના પાછળના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. બનાવ અંગે ભોગ બનનારની ફરિયાદને આધારે ટંકારા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, ભાવિનભાઈ વિનોદભાઈ ચાવડા ઉવ.૨૪ રહે. વિરપર પાણીના ટાંકા પાસે તા. ટંકારા વાળાએ નોંધાવેલ ફરિયાદ મુજબ, ગત તા. ૧૦ ઓક્ટોબરની રાત્રે તેઓ પોતાના મિત્ર પિયુષ ચાવડા સાથે મોટરસાઇકલ પર કાદરી હોટલે જમવા ગયા હતા. હોટલમાં ભીડ હોવાથી તેમણે ઓર્ડર આપ્યા બાદ રાહ જોઈ હતી. ત્યારે ઓર્ડર તૈયાર થવામાં વિલંબ થતાં ફરી પૂછપરછ કરવા જતાં હોટલ સંચાલક ઇમ્તીયાઝભાઈ સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન ઇમ્તીયાઝભાઈએ જાહેરમાં જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા, આ દરમિયાન હોટલ માલીકની સાથે રહેલ વિરપરની હરિ પાર્ક સોસાયટીમાં રહેતા રાઠોડભાઈએ ફરિયાદી ભાવિનભાઈને પાછળથી પકડી ઢીકાપાટુનો માર માર્યો હતો. જે બાદ આરોપી ઇમ્તીયાઝભાઈએ છરીનો ઘા માથાના પાછળના ભાગે માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
માર મારવાના બનાવમાં ઘાયલ ભાવિનભાઈને તેમના મિત્ર પિયુષ ચાવડા ટંકારા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં માથામાં ટાંકા લેવામાં આવ્યા હતા. સારવાર બાદ ભાવિનભાઈએ કાદરી હોટલના સંચાલક આરોપી ઇમ્તીયાઝભાઈ અને રાઠોડભાઈ સામે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા, એટ્રોસિટી એક્ટ તથા જીપી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






