એક જ પરિવારના ચાર સભ્યો સામે ગુનો દાખલ.
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી એક યુવક પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના મહિલા સહિતના ચાર સભ્યોએ યુવકને ઢીકાપાટુનો માર મારી લોખંડના પાઇપથી માથામાં ઘા મારતા ઇજાગ્રસ્ત યુવકને માથામાં ત્રણ ટાંકા લેવા પડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, મેસરીયા ગામે રહેતા પ્રકાશભાઈ વાલાભાઈ બેડવા ઉવ.૩૪)એ ગત તા. ૯ ઓક્ટોબરના રોજ સાંજે આશરે છ વાગ્યે ગામના રામજી મંદિરના ચોરે બેઠા હતા. તે દરમિયાન ગામના આરોપી વિશાલભાઈ હેમુભાઈ વાળા સાથે સામાન્ય બાબતે વાતચીત બાદ બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વિશાલ ત્યાંથી જતો રહ્યો હતો અને થોડીવાર બાદ આરોપી વિશાલ તેની માતા આરોપી હંસાબેન હેમુભાઈ વાળા અને ભાઈઓ સમીરભાઈ તથા બાદલભાઈ સાથે ત્યાં આવ્યો હતો. ત્યારે સમીર અને બાદલે ફરિયાદી પ્રકાશભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે હંસાબેને ફરિયાદીને પકડી રાખ્યા હતા. આ દરમિયાન આરોપી વિશાલે હાથમાં રહેલા લોખંડના પાઇપથી પ્રકાશભાઈના માથામાં ઘા મારી દીધો હતો. આ દરમિયાન ગામજનોએ વચ્ચે પડી તમામને છુટ્ટા પડાવ્યા હતા. ત્યારબાદ પ્રકાશભાઈને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં તેમના માથામાં ત્રણ ટાંકા લેવામાં આવ્યા હતા. બનાવ અંગે પ્રકાશભાઈ બેડવાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.






