મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે એસઓજીની ટીમે બાતમીના આધારે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી ૧ કિલો ૩૪૫ ગ્રામ ગાંજાના જથ્થા સાથે દીપકભાઈ ડાયાભાઈ ભંખોડીયાને ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજો, રોકડ રકમ, મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રિક વજનકાંટા સહિત કુલ રૂ.૭૩,૧૫૦/- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને બાતમી મળી કે, રફાળેશ્વર ગામમાં રહેતા દીપકભાઈ ભંખોડીયા પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો રાખી ખાનગીમાં વેચાણ કરે છે, જેથી તુરંત એસઓજીની ટીમે રહેણાંકમાં દરોડો પાડ્યો હતો. દરમિયાન આરોપી પાસેથી ૧ કિલો ૩૪૫ ગ્રામ ગાંજો કિ.રૂ.૬૭,૨૫૦/-, ગાંજાના વેચાણના રૂ.૭૦૦/-, એક મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- અને એક ઇલેક્ટ્રિક વજનકાંટો કિ.રૂ. ૨૦૦/- મળી કુલ રૂ.૭૩,૧૫૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે આરોપી દીપકભાઈ ડાયાભાઈ ભંખોડીયા ઉવ.૩૯ રહે. રફાળેશ્વર તા.જી. મોરબી વાળા સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે.






