Tuesday, October 13, 2026
HomeGujaratમોરબીમાં ગેસ રિફિલિંગના ગેરકાયદે ધંધાનો પર્દાફાશ: ૫૪ ગેસ બાટલા સાથે ત્રણ શખ્સો...

મોરબીમાં ગેસ રિફિલિંગના ગેરકાયદે ધંધાનો પર્દાફાશ: ૫૪ ગેસ બાટલા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

પંચાસર રોડ પર શિવમ હોલ પાછળના ગોડાઉનમાં દરોડો: છકડો રિક્ષા, એક્ટિવા, રિફિલિંગનાં સાધનો સહિત રૂ. ૨.૪૬ લાખનો મુદ્દામાલ કબજે, મુખ્ય આરોપીની શોધખોળ.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ પર શિવમ હોલ પાછળની શેરીમાં આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડી ગેસના બાટલામાંથી ગેસનું ગેરકાયદે રિફિલિંગ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે અલગ-અલગ કંપનીના ૫૪ ગેસ બાટલા, રિફિલિંગનાં સાધનો, વાહનો, મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂ.૨,૪૬,૬૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે મુખ્ય આરોપી સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધાયો છે.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ અને બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કોરડીયાની સૂચના તથા મોરબી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પંચાસર રોડ પર શિવમ હોલ પાછળની શેરીમાં ભાડે રાખેલા ગોડાઉનમાં ઘરવપરાશના ગેસ બાટલામાંથી ગેસનું રિફિલિંગ કરવામાં આવતું હોવાની બાતમી મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગોડાઉનમાં ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં ગેસ ભરવાની કામગીરી ચાલતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી આરોપી યશભાઈ મનોજભાઈ ચૌહાણ, અમીરભાઈ મનોજભાઈ ચૌહાણ અને ધવલભાઈ મનોજભાઈ ચૌહાણ ત્રણેય રહે.પારેખ શેરી ગ્રીન ચોક મોરબી વાળાને ઝડપી પાડ્યા હતા. જ્યારે ગોડાઉન ભાડે રાખનાર પ્રવીણભાઈ મનસુખભાઈ સારલા સ્થળ પર હાજર ન મળી આવતા તેને ફરાર દર્શાવી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

પકડાયેલ આરોપીઓની સઘન પૂછતાછમાં આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે ઇલેક્ટ્રિક મોટર, નળી અને નોઝલની મદદથી ભરેલા ગેસ બાટલામાંથી ખાલી બાટલામાં ગેસ રિફિલિંગ કરતા હતા. આ રીતે ગ્રાહકોને ઓછા વજનના ગેસ બાટલા આપીને ગેરરીતિ આચરવામાં આવતી હતી અને ગેસ જ્વલનશીલ પદાર્થ હોવાનું જાણવા છતાં બેદરકારીપૂર્વક રિફિલિંગ કરી આગ લાગવા કે અન્ય ગંભીર અકસ્માત થવાનું જોખમ પણ ઊભું થઈ શકતું હોય, ત્યારે પોલીસે ગોડાઉનમાંથી અલગ-અલગ કંપનીના કુલ ૫૪ ગેસ બાટલા, રૂ.૫૦ હજારની છકડો રિક્ષા, ગેસ રિફિલિંગ માટેની ઇલેક્ટ્રિક મોટર-નળી-નોઝલ, ઇલેક્ટ્રિક વજનકાંટો, પાના, સીલ કરવા માટેના કાગળ, ગ્રાહકોનાં ૨૯ બિલ, હિસાબનાં બે ચોપડા, રૂ.૮,૮૦૦/- રોકડ, રૂ.૫૦ હજારનું એક્ટિવા અને ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૨,૪૬,૬૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ સીટી એ ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધી મુખ્ય આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!