આરએસએસના ૩૫ સ્વયંસેવકોના પરિવારો દ્વારા નવરાત્રિના પ્રથમ નોરતે અનુસૂચિત જાતિ હિન્દુ સમાજની દીકરીઓનું સ્વાગત, પૂજન અને લ્હાણી વિતરણ કરાયું.
મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ, રાજકોટ અને સામાજિક સમરસતા મંચ દ્વારા નવરાત્રિના પ્રથમ નોરતે સામાજિક એકતા અને સમાનતાનો સંદેશ આપતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૩૫ સ્વયંસેવકોના પરિવારો દ્વારા અનુસૂચિત જાતિ હિન્દુ સમાજની ૧૩૩ દીકરીઓનું ભાવપૂર્વક સ્વાગત કરી શાસ્ત્રોક્ત કન્યા પૂજન, લ્હાણી વિતરણ અને સ્નેહભોજન કરાવવામાં આવ્યું હતું.
ડો. હેડગેવાર સ્મારક સમિતિ, રાજકોટની મોરબી શાખા અને સામાજિક સમરસતા મંચ મોરબીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમનો હેતુ સમાજના તમામ વર્ગો વચ્ચે એકતા, સમાનતા, બંધુત્વ અને આત્મીયતાની ભાવના મજબૂત કરવાનો હતો. આરએસએસના સ્વયંસેવકોના પરિવારજનોએ દીકરીઓને માતૃશક્તિના સ્વરૂપે પૂજી, ભેટ અને લ્હાણી અર્પણ કરી તેમજ સ્નેહભોજન કરાવ્યું હતું. આ આયોજનમાં સંઘના કાર્યકરો અને તેમના પરિવારજનોએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો. આ પહેલ દ્વારા મોરબી પંથકમાં સામાજિક સમરસતા અને સૌહાર્દનો સંદેશ આપવામાં આવ્યો હતો.






