ભુજના ગુનામાં સંડોવાયેલ વડોદરાનો યુવક અને મોરબી તાલુકાના પ્રોહિબિશન ગુનાની આરોપી ચોટીલાની મહિલા પકડાયા.
મોરબી: સરહદી રેન્જ, ભુજના પોલીસ મહાનિરીક્ષકની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે હાથ ધરાયેલી સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડે બે આરોપીઓને ઝડપી પાડી સંબંધિત પોલીસ મથકને સોંપ્યા છે.
મળતી વિગતો અનુસાર, તા. ૧થી ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન નાસતા ફરતા તથા ચાલુ તપાસમાં પકડવાના બાકી આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવ યોજવામાં આવી છે. મોરબી પોલીસ અધિક્ષકની સૂચનાથી એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમોએ ટેકનિકલ માધ્યમો, હ્યુમન સોર્સિસ અને બાતમીદારોની મદદથી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકના ગુના નંબર ૧૫૪૭/૨૦૨૫માં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૭(૨), ૩૧૭(૪), ૩૧૮(૪) અને ૫૪ મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી અભિષેક અજયભાઈ શર્મા ઉંવ. ૨૪ રહે. સમસારા લક્ઝરી એપાર્ટમેન્ટ છાણી જકાતનાકા, વડોદરા વાળાને વડોદરાથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો.
જ્યારે, બીજી કાર્યવાહીમાં મોરબી તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશન ગુનામાં નાસતી ફરતી આરોપી ફરીદાબેન જયંતીભાઈ દેવશીભાઈ ચૌહાણ ઉવ.૪૦ રહે. ચીલોડા તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર વાળાને મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર જાંબુડિયા ઓવરબ્રિજ પાસેથી ઝડપી પાડવામાં આવી હતી. આ મહિલાને આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ મથકને સોંપવામાં આવી છે.






