મોરબીના રાજપર રોડ ખાતે ખેડૂતોના પ્રશ્નો અને જમીનમાંથી પસાર થતી વીજલાઇનના થાંભલા સામેના વિરોધને લઈને ખેડૂત આક્રોશ મહાસંમેલન યોજાયું હતું. મહાસંમેલનમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ અને પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોને પૂરતું વળતર, જમીનના પ્રશ્નો, વીજલાઇનના થાંભલા અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સહિતના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
ખેડૂતોના હિતની લડત મોરબીથી શરૂ થશે: ગેનીબેન ઠાકોર
બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરે મચ્છુ નદીની કહેવત સાથે પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતની લડતની શરૂઆત મોરબીથી થશે. ખેડૂતોના પ્રશ્નોમાં કોઈ સમાજ કે રાજકીય પક્ષનો ભેદ ન હોવો જોઈએ અને ખેડૂતોના હિત માટે સૌએ એકસાથે આવવાની જરૂર છે. તેમણે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ભાજપ જોરથી બોલે છે, જૂઠું બોલે છે અને વારંવાર જૂઠું બોલે છે.
ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રીએ વર્ષ 2025ના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) લોનની મર્યાદા વધારવાની વાત કરી હતી, પરંતુ ખેડૂતોને તેનો લાભ મળ્યો નથી. કોંગ્રેસની સરકારોએ ખેડૂતો માટે અનેક કામો કર્યાં હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, 22 ગામના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યાં છે. બાયપાસ રોડના વળતર સહિતના પ્રશ્નો અંગે તેઓ એગ્રીકલ્ચર કમિટીના સભ્યો તરીકે સંબંધિત લોકોને બોલાવી ખેડૂતોને ન્યાય અપાવવા પ્રયાસ કરશે. ખેડૂતોના પ્રશ્નો માટે કેન્દ્ર સરકાર સામે પણ જરૂર પડ્યે લડત આપવાની તેમણે ખાતરી આપી હતી.
અન્યાય સામે મૌન રહેનાર વ્યક્તિ પાપનો ભાગીદાર: શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે ખેડૂતોના પ્રશ્ને આક્રમક વલણ અપનાવતાં જણાવ્યું હતું કે, અન્યાય સામે મૌન રહેનાર વ્યક્તિ પાપનો ભાગીદાર છે. તેમણે પોતાના ભૂતકાળના અનુભવોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, તેઓ ટ્રેક્ટરમાં હળ જોડીને ખેતીનું કામ કેવી રીતે થાય છે તે જાણે છે. ખેડૂતોની મહેનત અને મુશ્કેલીઓ સમજવાની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે કહ્યું હતું કે, ખેડૂત અનેક મુશ્કેલીઓનો સામનો કરીને જગતની ભૂખ ભાંગવાનું કામ કરે છે.
વીજલાઇનના થાંભલા માટે ખેડૂતોની જમીનનો ઉપયોગ કરવા સામે સવાલ ઉઠાવતાં શક્તિસિંહ ગોહિલે પૂછ્યું હતું કે, ખેડૂતોની જમીનમાં આવા થાંભલા નાખવાનો અધિકાર કોને આપ્યો છે? તેમણે ખેડૂતોને અન્યાય સામે અવાજ ઉઠાવવા આહ્વાન કર્યું હતું અને સરકારની નીતિઓની ટીકા કરતાં થાંભલા તથા આવી સરકારને ઉખાડી નાખવાની વાત કરી હતી.
મોરબીના ભૂતકાળને યાદ કરી સરકારની નીતિઓની ટીકા
શક્તિસિંહ ગોહિલે મોરબીના સ્વર્ગસ્થ બાબુભાઈ જશુભાઈ પટેલને યાદ કરતાં જણાવ્યું હતું કે, મચ્છુ જળ હોનારત બાદ મોરબીને ફરી બેઠું કરવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગોહિલે કહ્યું હતું કે, તેઓ મંત્રી હતા ત્યારે બાબુભાઈ પટેલ સાથે કામ કર્યું હતું અને તે સમયના ગુજરાતમાં લોકો વચ્ચે પરસ્પર સંવાદ અને સહકારની ભાવના હતી.
ખેડૂતોને પાણી અને વીજળી સમયસર ન મળતા હોવાનો આક્ષેપ કરતાં તેમણે સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોને જ્યારે પાણી અને વીજળીની જરૂર હોય ત્યારે તે મળતાં નથી, જ્યારે ઉદ્યોગપતિઓને સુવિધાઓ આપવામાં આવે છે. નર્મદા નિગમના મંત્રી તરીકેના પોતાના કાર્યકાળનો ઉલ્લેખ કરતાં તેમણે દાવો કર્યો હતો કે, ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની જે વ્યવસ્થા હોવી જોઈએ તેની સામે ઉદ્યોગોને પાણી ફાળવવામાં આવ્યું હતું. આ મુદ્દે દસ્તાવેજી પુરાવા સાથે ચર્ચા કરવા પણ તેમણે તૈયારી દર્શાવી હતી.
શક્તિસિંહ ગોહિલે વધુમાં ખેડૂતોને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, તેમની જમીનમાં થાંભલા નાખવા સહિતના પ્રશ્નો સામે એકજૂથ થઈને લડવું જરૂરી છે. ખેડૂતોના હિત અને અધિકારોનું રક્ષણ કરવા માટે સરકારને જવાબદાર બનાવવાની તેમણે હાકલ કરી હતી.
ખેડૂત સમૃદ્ધ હશે તો જ વેપાર-ધંધા ચાલશે: અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મહાસંમેલનને સંબોધતાં જણાવ્યું હતું કે, અત્યારે કોઈ ચૂંટણી નથી, કોઈ મત મેળવવાનો કે જીતવા-હારવાનો પ્રશ્ન નથી, તેમ છતાં મોટી સંખ્યામાં લોકો કેમ એકઠા થયા છે તે સમજવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, ખેડૂતો અને જગતના તાતના પ્રશ્નો માટે કોઈ સ્વાર્થ વિના લડવાની જરૂર છે. કોંગ્રેસે ખેડૂતોના હિતમાં કામ કર્યું હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે યુપીએ સરકારના સમયગાળામાં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહના નેતૃત્વ હેઠળ ખેડૂતોનાં રૂ. 71 હજાર કરોડનાં દેવા માફ કરવામાં આવ્યાં હોવાની વાત કરી હતી.
અમિત ચાવડાએ ગણોતધારા અને જમીન સંબંધિત કાયદાઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, ખેડૂતો અને ખેતમજૂરોને જમીનના અધિકારો અપાવવામાં કોંગ્રેસની ભૂમિકા રહી છે. તેમણે ગુજરાતમાં પાણીની યોજનાઓ અને સિંચાઈના મુદ્દે પણ ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ, મોટા પાયે પાઇપલાઇન અને પાણીની યોજનાઓ હોવા છતાં ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી અને નેતાઓ તથા અન્ય લોકો તેનો લાભ લઈ રહ્યા છે.
વળતર વિના થાંભલા નાખવા સામે કોંગ્રેસનો વિરોધ
અમિત ચાવડાએ ખેડૂતોની જમીનમાંથી વીજલાઇનના થાંભલા નાખવાના મુદ્દે જણાવ્યું હતું કે, પૂરતું વળતર આપ્યા વિના ખેડૂતોની જમીનમાં થાંભલા નાખવા અને વિરોધ કરનારા ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી કરવી યોગ્ય નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, વિરોધ દરમિયાન ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવે છે અને મહિલાઓને પણ દમનનો સામનો કરવો પડે છે. કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્ને લડત ચલાવતાં સરકારને નિયમો બનાવવા પડ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ખેડૂતોની આર્થિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, મોંઘવારીના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોનાં સંતાનોની સરખામણીએ ખેડૂતોનાં સંતાનો માટે ભવિષ્ય અંગે આશાવાદ રાખવો મુશ્કેલ બની રહ્યો છે. ખેડૂત સમૃદ્ધ હશે તો જ વેપારીઓ અને અન્ય વ્યવસાયિકોની દુકાનો ચાલશે, તેમ જણાવી તેમણે ખેડૂતોની સમૃદ્ધિને સમગ્ર અર્થતંત્ર માટે જરૂરી ગણાવી હતી.
ખેડૂતોનાં દેવા માફ કરવા અને દુકાળ જાહેર કરવાની માંગ
અમિત ચાવડાએ ખેડૂતોનાં દેવા માફ કરવા અને દુકાળ જાહેર કરવાની માંગણી કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોના પ્રશ્નો અંગે સરકાર યોગ્ય નિર્ણય લેતી નથી. તેમણે વડાપ્રધાન દ્વારા અગાઉ કરવામાં આવેલી અપીલોનો ઉલ્લેખ કરીને સરકાર પર ખેડૂતોને વચનો આપીને છેતરવાનો આક્ષેપ કર્યો હતો. ખેડૂતોને પોતાના ગામોમાં એકત્ર થઈને સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે પણ તેમણે હાકલ કરી હતી.
મોરબી, જેતપર, દ્વારકા અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ખેડૂતો દ્વારા અલગ-અલગ રીતે લડત ચલાવવામાં આવી હોવાનો ઉલ્લેખ કરતાં અમિત ચાવડાએ મોરબીમાં ખેડૂતો એકજૂથ થયા તે બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હવે ખેડૂતોના પ્રશ્નો માટે એક સંયુક્ત લડત ચલાવવાની જરૂર છે અને ખેડૂતોના હિત માટે કોંગ્રેસ કોઈ નફા-નુકસાનની પરવા કર્યા વિના લડતની જવાબદારી નિભાવશે. ખેડૂતોની મુશ્કેલીઓ અને આક્રોશને વાચા આપવા માટે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.






