મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભામાં વીજલાઇનથી થતી જમીનના નુકસાનનું વળતર, ટેકાના ભાવ અને પાક નુકસાનના મુદ્દા ઉઠાવાયા: ગાળાથી વઘાસિયા બાયપાસની જમીનના વળતર માટે નીતિન ગડકરી સમક્ષ રજૂઆત કરાશે.
મોરબીના શનાળા-રાજપર રોડ પર કોંગ્રેસ દ્વારા આયોજિત ખેડૂત આક્રોશ સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને ગુજરાત પ્રભારી રણદીપ સૂરજેવાલાએ સૌરાષ્ટ્ર-કચ્છને અછતગ્રસ્ત જાહેર કરી વિશેષ રાહત પેકેજ આપવાની માંગ કરી હતી. કપાસ, મગફળી અને જીરાના પાકમાં થયેલા નુકસાનનું વળતર, ટેકાના ભાવથી ઓછા ભાવે વેચાયેલી જણસોની બાકી રકમ અને વીજ ટ્રાન્સમિશન લાઇન માટે જમીન ગુમાવતા ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ સાથે ગાડાથી વઘાસિયા સુધીના નેશનલ હાઈવે બાયપાસની જમીનના વળતરનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.
ખેડૂતોના વિવિધ પ્રશ્નોને વાચા આપવા માટે મોરબીના શનાળા-રાજપર રોડ પર આનંદ પાર્ટી પ્લોટ સામે કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને ગુજરાત પ્રભારી રણદીપ સૂરજેવાલાએ સૌરાષ્ટ્ર-કચ્છને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરી વિશેષ પાક સર્વે કરાવી ખેડૂતોને વળતર આપવાની માંગ કરી હતી. કપાસ, મગફળી અને જીરાના પાકમાં થયેલા નુકસાન બદલ વિશેષ રાહત પેકેજ જાહેર કરવા તેમજ ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે પાક વેચનારા ખેડૂતોને ભાવફેરની બાકી રકમ ચૂકવવા પણ તેમણે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર માટે જમીનનો ઉપયોગ થવાથી ખેડૂતોને નુકસાન થતું હોવાનો મુદ્દો ઉઠાવી સૂરજેવાલાએ યોગ્ય વળતર ઉપરાંત ૨૫ વર્ષ સુધી વાર્ષિક આર્થિક સહાય આપવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિકાસકાર્યોમાં ખેડૂતો અને ખેતમજૂરોને પણ ભાગીદાર બનાવવા જોઈએ.
બીજી તરફ, કોંગ્રેસના નેતા લલિતભાઈ કગથરાએ ગાળાથી વઘાસિયા સુધીના નેશનલ હાઈવે બાયપાસની જમીનના વળતરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, બાયપાસની એલાઈનમેન્ટમાં ત્રણ વખત ફેરફાર કરવામાં આવ્યો છે અને ખેડૂતોને કિંમતી જમીનનું યોગ્ય વળતર મળવું જોઈએ. આ મુદ્દે રણદીપ સૂરજેવાલાએ કૃષિ સંબંધિત સ્ટેન્ડિંગ કમિટી અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી હતી. કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં સંઘર્ષની રણનીતિ ઘડવાની પણ તૈયારી દર્શાવી હતી.






