જામસરમાં સેન્ડસ્ટોનનું ગેરકાયદે ખનન-વહન ઝડપાયું, લખધીરપુર રોડ પરથી ચાઈના કલે ભરેલું ડમ્પર પણ જપ્ત
મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનિજ વહન સામે ભૂસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેરની સૂચનાથી ખાણખનિજ વિભાગની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા આજરોજ તા. 28 ઓક્ટોબર, 2026ના રોજ બે અલગ-અલગ સ્થળોએ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.આ કાર્યવાહી દરમિયાન એક એક્સકેવેટર મશીન સહિત કુલ ત્રણ સાધન-વાહનો સીઝ કરવામાં આવ્યાં હતાં. જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 1.40 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.
વાંકાનેર તાલુકાના જામસર ગામે ખાણખનિજ વિભાગની ટીમે આકસ્મિક રેડ કરતાં સેન્ડસ્ટોન ખનિજનું બિનઅધિકૃત રીતે ખનન અને વહન થતું હોવાનું સામે આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પીળા રંગનું કોમાત્સુ કંપનીનું એક એક્સકેવેટર મશીન અને ડમ્પર નંબર GJ-13-AT-1280 સીઝ કરવામાં આવ્યાં હતાં.બંને વાહનોના માલિક તરીકે ઢુવા ગામના વિજયભાઈ અશોકભાઈ ચારલાનું નામ સામે આવ્યું છે. સીઝ કરાયેલો મુદ્દામાલ અંદાજે રૂ.એક કરોડનો હોવાનું જણાવાયું છે.બંને સાધનોને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે.
બીજી કાર્યવાહી મોરબીના લખધીરપુર રોડ વિસ્તારમાં કરવામાં આવી હતી. અહીં ચાઈના કલે ખનિજનું બિનઅધિકૃત વહન કરતા ડમ્પર નંબર GJ-12-BZ-2300ને ટીમે ઝડપી પાડ્યું હતું.આ ડમ્પરના માલિક તરીકે જગદીશભાઈ સામતભાઈ સોલંકીનું નામ સામે આવ્યું છે. ડમ્પરને સીઝ કરીને લખધીરપુરના કેવલ સ્ટોન ખાતે કસ્ટડીમાં મૂકવામાં આવ્યું છે.આ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 40 લાખ હોવાનું જણાવાયું છે.આ કાર્યવાહી બાદ ગેરકાયદેસર ખનન કરવામાં આવેલા વિસ્તારની માપણી કરવામાં આવશે. ત્યારબાદ જવાબદાર આરોપીઓ વિરુદ્ધ નિયમોનુસાર ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનિજના બિનઅધિકૃત વહન સામે ખાણખનિજ વિભાગની કાર્યવાહીથી ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે.






