મોરબીમાં ગઈકાલે તા.૨૮ ના રોજ વાઘપરા વિસ્તારમાં મહિલા એડવોકેટની ઘર પાસે પાર્ક કરેલ સ્વિફ્ટ કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો અને ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ બાદમાં આ કારમાં પડોશી યુવક દ્વારા આગચંપી કરી ૩.૫૦ લાખનું નુકશાન કર્યું હોવાનું સીસીટીવી માં સામે આવ્યા મહિલા વકીલ દ્વારા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહિલા વકીલની ફરિયાદને આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે શિખર ગોહેલ નામના યુવકની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી હતી જેની પ્રાથમિક પૂછપરછ માં યુવકે જણાવ્યું હતું કે કારની આજુબાજુમાંથી નીકળીએ ત્યારે સેન્સરના કારણે વારંવાર સાયરન વાગતું હોવાથી અવાજથી પરેશાન થઈ આરોપીએ કાર પર પેટ્રોલ છાંટી આગ લગાવી હતી અને આગ લગાવ્યા બાદ પણ આરોપી ત્યાં જ રહ્યો અને પોતાના મોબાઇલમાં વિડિઓ પણ બનાવ્યો હતો.
મહિલા એડવોકેટની કાર સળગાવવાની ઘટનાને મોરબી બાર એસોસિએશને ગંભીરતાથી લીધી છે અને આ પ્રકારના બનાવને ખૂબ ગંભીર ગણાવી મોરબી જિલ્લા વકીલ મંડળ દ્વારા તેને વખોડી કાઢવામાં આવ્યો છે અને ઘટનાના વિરોધમાં મોરબી બાર એસોસિએશન દ્વારા આરોપીનો કેસ નહીં લડવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.






