હળવદ પોલીસે ૧૯ દારૂની બોટલ અને બિયરના ૮૦ ટીન સહિત રૂ. ૧૯,૧૩૫નો મુદ્દામાલ કબજે કર્યો.
હળવદ ગામથી આસ્થા પેપરમિલ તરફ જવાના રસ્તે ખુલ્લા પ્લોટમાં બાવળની કાંટમાં સંતાડેલો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. આ સાથે સ્થળ પરથી મનસુખ ઉર્ફે મુન્નો ગોહિલ નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે.
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી હતી કે હળવદના ગોરી દરવાજા વિસ્તારમાં રહેતો મનસુખ ઉર્ફે મુન્નો લવજીભાઈ ગોહિલ હળવદથી આસ્થા પેપરમિલ તરફ જવાના રસ્તે આવેલા ખુલ્લા પ્લોટમાં બાવળની કાંટમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરી રહ્યો છે. જેથી બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરનાર મનસુખ ઉર્ફે મુન્નો લવજીભાઈ ગોહિલ ઉવ.૪૩ રહે.ગોરી દરવાજા હળવદ વાળાને પોલીસે ઝડપી લીધો હતો.
હળવદ પોલીસ દ્વારા સ્થળ તપાસ દરમિયાન વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૯ બોટલ અને કિંગફિશર બિયરના ૮૦ ટીન મળી કુલ રૂ.૧૯,૧૩૫/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.






