મિતેષ નાગરને માથામાં હેમરેજ, જમણા હાથમાં ફ્રેક્ચર અને પેટમાં ગંભીર ઈજા: કારચાલક અકસ્માત સર્જી ફરાર.
ટંકારા તાલુકાના લજાઈ ચોકડી નજીક સીએનજી પંપ પાસે રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને કાળા રંગની ફોરવ્હીલ કારે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્તને મોરબીથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હાલ નાજુક સ્થિતિમાં સારવાર હેઠળ છે. હાલ ઇજાગ્રસ્તના બનેવીની ફરિયાદને આધારે ટંકારા પોલીસે આરોપી અજાણી કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.
મૂળ વાંકાનેરના હાલ મોરબી રહેતા મિતેષભાઈ મોહનભાઈ નાગર ગત તા. ૩૧/૧૦/૨૦૨૬ના રોજ રાત્રિના ટંકારા તાલુકાના લજાઈ ચોકડી નજીક સીએનજી પંપ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે કાળા રંગની ફોરવ્હીલ કારના ચાલકે પુરઝડપે અને બેફિકરાઈથી કાર હંકારી રાહદારી મિતેષભાઈને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક પોતાની કાર સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્મતમાં મિતેષભાઈને માથાના ભાગે હેમરેજ, જમણા હાથમાં ફ્રેક્ચર, પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. બનાવ અંગે રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા અને ઇજાગ્રસ્તના બનેવી વિજયભાઈ ઈશ્વરભાઈ વાજાએ ટંકારા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી અજાણ્યા કારચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






