Thursday, November 5, 2026
HomeGujaratમોરબી મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસ અને વ્યવસ્થાપનને લગતા નિર્ણયો લેવાયા

મોરબી મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસ અને વ્યવસ્થાપનને લગતા નિર્ણયો લેવાયા

રૂ.૧૪૭ કરોડના કચરામાંથી ગેસ બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી

- Advertisement -
- Advertisement -

લાલપર ખાતે ૧૩ એકર જમીનમાં દૈનિક ૨૫૦ ટન કચરાના નિકાલની વ્યવસ્થા ઊભી કરાશે, ૪૬ ભંગાર વાહનોની હરાજીથી રૂ.૩૨ લાખની આવકનો અંદાજ.

મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસ અને વ્યવસ્થાપનને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ભીના કચરામાંથી ગેસ બનાવવાના રૂ. ૧૪૬થી ૧૪૭ કરોડના મેગા પ્રોજેક્ટને મંજૂરી, ૪૬ ભંગાર વાહનોની હરાજી, શંકાસ્પદ બિલ અટકાવવા સહિતના નિર્ણયો લેવાયા છે.

મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના સ્વચ્છતા, પર્યાવરણ, નાણાકીય વ્યવસ્થાપન અને નાગરિક સુવિધાઓને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પડસુંબિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત ભીના કચરામાંથી ગેસ બનાવવાના આશરે રૂ. ૧૪૬થી ૧૪૭ કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ લાલપર ડમ્પિંગ સાઇટ ખાતે ૧૩ એકર જમીનમાં તૈયાર કરવામાં આવશે, જેમાં દરરોજ ૨૫૦ ટન કચરાના નિકાલની ક્ષમતા રહેશે. પ્રોજેક્ટમાં એજન્સીનું ૬૦ ટકા અને મહાનગરપાલિકાનું ૪૦ ટકા રોકાણ રહેશે, જે માટે સરકાર તરફથી ગ્રાન્ટ મળવાની છે. મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી છ મહિનામાં પ્રોજેક્ટ શરૂ થવાની શક્યતા છે. એજન્સી ૧૫ વર્ષ સુધી તેનું સંચાલન કરશે અને ત્યારબાદ તમામ મશીનરી મહાનગરપાલિકાને સોંપવામાં આવશે. આ પ્રોજેક્ટમાં આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોના કચરાનો પણ નિકાલ કરવામાં આવશે.

મહાનગરપાલિકાની આવક વધારવાના હેતુથી વર્ષોથી બિનઉપયોગી પડેલા આશરે ૪૬ કન્ડમ વાહનોની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેન્ડર પ્રક્રિયામાં સૌથી વધુ ભાવ આપનાર એજન્સીને કામગીરી સોંપવામાં આવશે, જેના થકી મહાનગરપાલિકાને અંદાજે રૂ. ૩૨ લાખની આવક થવાની શક્યતા છે. બીજી તરફ, મહાનગરપાલિકાના ગ્રાઉન્ડમાં આશરે ૧૦ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં પેવર બ્લોક નાખવાની કામગીરીનું રૂ.૧૮ લાખનું બિલ રજૂ થયું હતું. જોકે, બિલના ભાવમાં વિસંગતતા જણાતાં સ્ટેન્ડિંગ કમિટીએ બિલ અટકાવી દીધું છે. કામ કરનાર એજન્સીને રૂબરૂ બોલાવી યોગ્ય ભાવ નક્કી કર્યા બાદ જ આગળની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત, શહેરની સુરક્ષા અને નાગરિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર ૫ના શોભેશ્વર રોડ પર નવો હાઈમાસ્ટ ટાવર ઊભો કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ટાવર કઈ જગ્યાએ સ્થાપિત કરવો તે અંગે સ્થાનિક કોર્પોરેટરો સાથે પરામર્શ કરીને યોગ્ય સ્થળ નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત ફાયર વિભાગ દ્વારા છેલ્લા ૧૫ દિવસ દરમિયાન કરવામાં આવેલી કામગીરીના રિપોર્ટની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. આ સિવાય, મોરબીની નદીમાં વારંવાર ફેલાતી ગાંડી વેલની સમસ્યાના કાયમી ઉકેલ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. ચોમાસા બાદ થોડા સમય માટે વેલ દૂર થતી હોવા છતાં બે-ત્રણ મહિનામાં ફરીથી નદીમાં ફેલાઈ જતી હોવાથી અન્ય મોટી મહાનગરપાલિકાઓમાં ઉપયોગમાં લેવાતી મશીનરી અને પદ્ધતિઓનો અભ્યાસ કરીને મોરબીમાં પણ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!