Thursday, November 26, 2026
HomeGujaratસૌરાષ્ટ્રની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજની લાઇબ્રેરીમાં જ્ઞાન અને ઇતિહાસનો અનોખો ખજાનો

સૌરાષ્ટ્રની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજની લાઇબ્રેરીમાં જ્ઞાન અને ઇતિહાસનો અનોખો ખજાનો

એલ.ઈ. કોલેજના પુસ્તકાલયમાં ૪૨ હજાર પુસ્તકોનો વિશાળ સંગ્રહ: રાજાશાહી સમયનાં આશરે ૮૦ વર્ષ જૂનાં પુસ્તકો આજે પણ જ્ઞાનના વારસાની સાક્ષી બન્યા છે.

- Advertisement -
- Advertisement -

૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ અહીંથી ઇજનેરીનો અભ્યાસ કરી ચૂક્યા છે.

મોરબીની ઐતિહાસિક ઓળખ સમાન લખધીરસિંહજી એન્જિનિયરિંગ કોલેજ (એલ.ઈ. કોલેજ) માત્ર ઇજનેરી શિક્ષણનું કેન્દ્ર જ નથી, પરંતુ જ્ઞાન, સંશોધન અને ઐતિહાસિક વારસાને સાચવતું મહત્ત્વપૂર્ણ સ્થળ પણ છે. સૌરાષ્ટ્રની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજનું બહુમાન ધરાવતી આ સંસ્થાની લાઇબ્રેરીમાં પુસ્તકોનો એવો અનોખો ખજાનો સચવાયેલો છે, જે નવી પેઢીને આધુનિક ટેક્નિકલ જ્ઞાનની સાથે ભૂતકાળની જ્ઞાનપરંપરાથી પણ પરિચિત કરાવે છે. કોલેજની લાઇબ્રેરીમાં અંદાજે ૪૨ હજાર પુસ્તકોનો વિશાળ સંગ્રહ ઉપલબ્ધ છે. જેમાં વિવિધ ઇજનેરી શાખાઓ ઉપરાંત અનેક શૈક્ષણિક વિષયોને લગતાં પુસ્તકોનો સમાવેશ થાય છે. કોલેજના પ્રિન્સિપાલ રાજુભાઈ કે. મેવાડાએ લાઇબ્રેરીની મુલાકાત દરમિયાન પુસ્તકસંગ્રહ, વિવિધ ઇજનેરી વિભાગો અને વિદ્યાર્થીઓ માટે તેની ઉપયોગિતા અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ કોલેજમાંથી ઇજનેરીનો અભ્યાસ કરી ચૂક્યા છે. વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને અભ્યાસ માટે જરૂરી સંદર્ભસામગ્રી મળી રહે તે માટે લાઇબ્રેરીમાં વિશાળ પુસ્તકસંગ્રહ જાળવવામાં આવ્યો છે.

એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીનું સૌથી વિશેષ આકર્ષણ અહીં સચવાયેલાં રાજાશાહી સમયનાં પુસ્તકો છે. આશરે ૮૦ વર્ષ જૂનાં આ પુસ્તકો આજે પણ જ્ઞાનના ઐતિહાસિક વારસાની સાક્ષી પૂરે છે. જૂનાં પુસ્તકોના કાગળ, છાપકામની પદ્ધતિ અને પ્રકાશનશૈલી તે સમયની શૈક્ષણિક પરંપરાની ઝાંખી કરાવે છે. આધુનિક પુસ્તકોની સાથે આટલો જૂનો પુસ્તકવારસો સાચવી રાખવો એ લાઇબ્રેરીની વિશિષ્ટતા છે. લાઇબ્રેરીના ઇન્ચાર્જ અને આસીસ્ટન્ટ પ્રોફેસર પાર્થ શાહ પુસ્તકસંગ્રહની જાળવણી તેમજ લાઇબ્રેરીની વ્યવસ્થાની જવાબદારી સંભાળી રહ્યા છે. જૂનાં અને નવાં પુસ્તકોને યોગ્ય રીતે સાચવી વિદ્યાર્થીઓ સુધી જ્ઞાન પહોંચાડવાનું કાર્ય અહીં કરવામાં આવી રહ્યું છે.

કોલેજમાં હાલમાં સિવિલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ અને આઈ.ટી. સહિતના ઇજનેરી વિભાગો કાર્યરત છે. આ ઉપરાંત માસ્ટર ઑફ એન્જિનિયરિંગ (એમ.ઈ.)ના અભ્યાસની સુવિધા પણ ઉપલબ્ધ છે. વિવિધ શાખાઓના વિદ્યાર્થીઓને તેમના વિષયને અનુરૂપ ટેક્નિકલ પુસ્તકો, સંદર્ભગ્રંથો અને અભ્યાસસામગ્રી લાઇબ્રેરીમાંથી મળી રહે છે. જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સ્વઅધ્યયન અને સંશોધન માટે પણ મદદ મળે છે.

આજના ડિજિટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્ત્વ યથાવત્ છે. ખાસ કરીને ઇજનેરી જેવા ટેક્નિકલ ક્ષેત્રમાં સંદર્ભગ્રંથો અને જૂનાં પુસ્તકોનું આગવું મહત્ત્વ છે. એલ.ઈ. કોલેજની લાઇબ્રેરી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સામગ્રી પૂરી પાડવાની સાથે વાંચન અને સંશોધનની તક પણ આપે છે. આમ, અંદાજે ૪૨ હજાર પુસ્તકોનો સંગ્રહ, ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓની શૈક્ષણિક સફર અને રાજાશાહી સમયનાં આશરે ૮૦ વર્ષ જૂનાં પુસ્તકોનો ઐતિહાસિક વારસો એલ.ઈ. કોલેજની આગવી ઓળખને ઉજાગર કરે છે. આધુનિક ઇજનેરી શિક્ષણ અને વર્ષો જૂની જ્ઞાનપરંપરાનો સમન્વય ધરાવતી આ લાઇબ્રેરી મોરબીની શૈક્ષણિક ધરોહરનું એક મહત્ત્વપૂર્ણ પ્રતીક બની રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!