પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ પૂર્વે ટીમ અભયમને એક ગભરાયેલા માતાનો ફોન આવ્યો હતો કે મારી દીકરી સતત આપઘાત કરવાના વિચારો કરી રહી છે. જેથી કાઉન્સિલર પલ્લવીબેન વાઘેલા અને કોન્સ્ટેબલ વિલાસબેન સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. દરમ્યાન ટીમ અભયમ સમક્ષ કાઉન્સિલિંગ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવે હતી અને આ તરૂણી એક તરૂણના પ્રેમમાં હોવાનું તેણીએ જણાવ્યું હતું, ઉપરાંત તરૂણી ઘર છોડીને જતી રહેતા માતાએ પીછો કરી તરૂણીને મહામહેનતે ઘરે પરત લાવ્યાનુ પણ કાઉન્સિલિંગમાં બહાર આવ્યું હતું. બાદમાં તરૂણીની માનસિક સ્થિતિ સ્વસ્થ કરી અભયમના કાઉન્સિલર સ્ટાફે આ ઉંમર પ્રેમ કરવાની નહિ સારો અભ્યાસ કરી કેરિયર બનાવવાની હોવાનું જણાવી તરૂણીના મનમાંથી પ્રેમનું ભૂત ઉતારતા તરૂણી પણ સાચી સ્થિતિ સ્વીકારી મનમાંથી આપઘાતનો વિચાર કાઢ્યો હતો. નોંધનીય છે કે તરૂણીને પિતાની છત્રછાયા પણ નથી અને ભાઈનો સહારો પણ નથી ઉપરાંત ચાર બહેનો હોય માતા ઉપર આવી પડેલી આ ઉપાધિ ટીમ અભયમે દૂર કરી તરૂણીને નવજીવન આપ્યું હતું.