રાજકોટના જંતુનાશક દવાના વેપારીની કાર આંબેડકર કોમ્પ્લેક્સ પાસે પાર્ક હતી: અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ.
હળવદના આંબેડકર કોમ્પ્લેક્સ પાસે પાર્ક કરેલી કારનો સાઇડનો કાચ તોડી અજાણ્યા શખ્સે સીટ નીચે રાખેલો ઓફિસ થેલો ચોરી લીધો હતો. થેલામાં રૂ.૧.૧૦ લાખ રોકડા સહિત જરૂરી દસ્તાવેજો હતા. હાલ વેપારીની ફરિયાદને આધારે પોલીસે ચોરી તથા કારમાં નુકસાની અંગેની કલમો હેઠળ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો અનુસાર, મૂળ હળવદ તાલુકાના રાતભેર ગામના વતની હાલ રાજકોટ યુનિવર્સીટી રોડ ઉપર પ્રસીલ પાર્કમાં રહેતા જંતુનાશક દવાના વેપારી ભરતસિંહ કહળસિંહ ચૌહાણ ઉવ.૫૫ ગત તા.૧૧/૦૯/૨૦૨૬ના રોજ વેપારના કામે પોતાની ફોર્ચ્યુનર કાર જીજે-૦૩-જેએલ-૬૦૫૨ લઈને રાજકોટથી હળવદ આવ્યા હતા. ત્યારે તેમણે પોતાની ફોર્ચ્યુનર કાર હળવદમાં આંબેડકર કોમ્પ્લેક્સ પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી અને દવાના ઓર્ડરના કામે ગયા હતા. જે બાદ બપોરે આશરે બે વાગ્યે પરત ફરતાં કારનો સાઇડનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો અને સીટ નીચે રાખેલો ઓફિસ થેલો ગાયબ હતો. થેલામાં રૂ.૧,૧૦,૦૦૦/- રોકડા તથા જરૂરી કાગળો હતા. બનાવ અંગે હળવદ પોલીસે આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ બીએનએસ કલમ ૩૦૩(૨), ૩૨૪(૨) મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.






