મળતી માહિતી મુજબ મોરબીના ગૌરક્ષકોની ટીમે ગત રાત્રે મોરબી-માળીયા હાઇવે ઉપર નાગડાવાસ ગામ નજીક આઈ માતા હોટલ સામે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે સમયે જીજે-૧૦-વાય-૪૬૧૩ નંબરની બોલેરો ગાડી શંકાસ્પદ હાલતમાં નીકળતા ગૌરક્ષકોએ આ બોલેરો ગાડીને અટકાવીને તલાશી લીધી હતી. બોલેરો ગાડીમાં ૧૧ પાડાઓ નિર્દયતાપૂર્વક બાંધેલી હાલતમાં જોવા મળ્યા હતા. ગૌરક્ષકોની ટીમ બોલરો ગાડીના ચાલકને પકડે તે પહેલાં જ તે ચકમો આપીને બોલેરો કાર ત્યાં જ રેઢી મૂકીને નાસી છૂટયો હતો. બોલેરો કારની અંદર નિર્દયતાપૂર્વક બાંધેલા આ અબોલ પશુઓ માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી આ પશુઓને કતલખાને ધકેલાતા હોવાની શંકાથી ગૌરક્ષકોની ટીમે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ગૌરક્ષકોની ટીમે ૧૧ પાડા ભરેલી બોલેરો ગાડી મોરબી તાલુકા પોલીસને હવાલે કરી હતી. મોરબી તાલુકા પોલીસે અજાણ્યા શખ્સો સામે પશુ અતિક્રમણ ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.