મોરબી શહેરમાં બેફામ બનેલા વ્યાજખોરો નાણા વસુલવા માટે કાયદો હાથમાં લેતા પણ ખચકાતા નથી. આવા એક કિસ્સામાં મોરબીનાં વાઘપરા શે.નં. ૧૦માં રહેતા આધેડને હાથ ઊછીના પૈસા આપ્યા બાદ વ્યાજખોરે તોતિંગ વ્યાજ વસૂલી વધુ નાણાની માગ કરી મારી નાખવાની ધમકી આપી હતી. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના વાઘપરા શેરી નં. ૧૦માં “ ભારત નિવાસ” નામના મકાનમાં રહેતા રાજેશભાઇ તુલસીભાઇ ભોજવાણી નામના ૪૧ વર્ષિય આધેડે ઇસમ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. જેને લઇ ફરીયાદીએ વ્યાજ ચુકવેલ હોવા છતા આરોપીઓએ ફરિયાદી પાસે વ્યાજ સહીતના રૂપીયાની પઠ્ઠાણી ઉઘરાણી કરી ફરિયાદીના ઘરે તથા રવાપર રોડ જી.એમ.કોમ્પલેક્ષમાં આવેલ તેની મોબાઇલ રીપેરીંગની દુકાને તેને ગાળો બોલી, ફરીયાદી પાસેથી અલગ અલગ બેંકના કોરા ચેકમાં બળજબરીથી સહીઓ કરાવી લઇ અને વ્યાજ સહીત રૂપીયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દિપકભાઇ ગોગરા, ફારૂકભાઇ જેડા, મુકેશભાઇ મોચી, નરેન્દ્રસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, રમેશભાઇ ભરવાડ, લાલાભાઇ ભરવાડ, જીતુભાઇ શર્મા, ડેવીડ અનીલભાઇ રાજા, અશ્વીનભાઇ પટેલ, શિવુભા અને વિરૂભા એમ કુલ ૧૨ આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ – ૩૮૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ધી ગુજરાત મનીલેન્ડર્સ એકટ – ૨૦૧૧ ની કલમ – ૫,૪૦,૪૨ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.