મોરબીમાં બે અલગ અલગ કોમ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય તે રીતે ચાલુ શોભાયાત્રા દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવા નારા લગાવતી અજાણી મહિલા સામે મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ આરોપી મહિલા સામે જાહેર સુલેહ શાંતિના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર ગત તા.૧૭/૦૪ના રોજ રામનવમી નિમિતે મોરબી જીલ્લાના સર્વે સનાતન હિન્દૂ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે શોભાયાત્રા મોરબીના નવાડેલા રોડ નજીક પહોંચી હતી ત્યારે કોઈ અજાણી મહિલા દ્વારા ડી.જે.માં વાગતા ભજન બંધ કરી માઈક્રોફોન પોતાના હાથમાં લઇ સુલેહ શાંતિ ભંગ થાય તથા બે અલગ અલગ કોમ વચ્ચે ધિક્કાર તથા દુશ્મનાવટ ઉભી થાય તેવા ઈરાદા સાથે ધાર્મિક લાગણી દુભાય તેવા અવિવેકી સૂત્રોચ્ચાર કરી નારા લગાવનાર અજાણી મહિલા સામે મોરબી ઈદ મસ્જિદ રોડ શેરી નં.૨ માં રહેતા ફારૂકભાઇ આદમભાઇ અઘામ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે અજાણી મહિલા આરોપી સામે ધાર્મિક ભાવનાઓને હાનિ, સુલેહ શાંતિ ભંગ જેવી અલગ અલગ આઇપીસી કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.