મોરબી તાલુકાના રામપર પાડાબેકર ગામે માતાના મરણ પાછળ ધાર્મિકવિધિ અર્થે આવેલ અમદાવાદના વડીલ પોતાના સગાભાઈના ઘરને બદલે કુટુંબિક ભાઈના ઘરે રોકાવા જેવી સામાન્ય બાબતે બે વડીલ વૃદ્ધને ગાળો આપી ઝપાઝપી કરી લાકડી ફટકારતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા મૂળ રામપર પાડાબેકર(આમરણ)ના વતની દયાલજીભાઇ માધવજીભાઇ જાવીયા ઉવ.૬૩ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ભુપતભાઇ દેવજીભાઇ જાવીયા રામપર પાડાબેકર(આમરણ) ગામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૨૮/૦૩ના રોજ દયાલજીભાઈ તેમના કુટુંબિક ભાઈ અરોપી ભુપતભાઇ દેવજીભાઇ જાવીયા સાથે અગાઉનુ મનદુખ હોઇ અને તેમની સાથે બોલતા ના હોય અને ભુપતભાઇના સગાભાઇ ભીખુભાઇ પણ તેમના ભાઇ સાથે બોલતા ના હોય ત્યારે ભીખુભાઇ પોતાની માતાના નિધન પાછળ ધાર્મિકવિધિ કરવા રામપર પાડાબેકર આવ્યા હોય ત્યારે દયાલજીભાઈના ઘરે આવી રોકાયેલ હોય અને તેમના માતુશ્રીનો જમણવાર કરવાનો હોય જે આરોપી ભૂપતભાઈને સારૂ નહી લાગતા જેનો ખાર રાખી આ આરોપીએ દયાલજીભાઈ અને ભીખુભાઈને ગાળો આપી લાકડી વડે બંનેને મારી તેમજ ઢીકાપાટુ મારી ઝપાઝપી કરી હતી. જે બાબતની ફરિયાદ નોંધાવતા હાલ મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩,૫૦૪ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.