હળવદ તાલુકાના કડીયાણા ગામ નજીક મોરબી-હળવદ હાઇવે પર રસ્તા ઉપર ચાલીને જતા ૬૭ વર્ષીય મહિલાને ટાટા કંપનીના છોટા હાથી વાહને હડફેટે લેતા માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં મહિલાનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે આરોપી વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હળવદના કડીયાણા ગામના ભરવાડવાસમાં રહેતા રાયમલભાઈ રમુભાઈ ઠુંગાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૩/૦૯ના સાંજના આશરે સાડા છ વાગ્યાના અરસામાં તેમના ૬૭ વર્ષીય માતા કમુબેન રામુભાઈ ડુંગા કડીયાણા ગામમાં મોરબી-હળવદ રોડ પર ચાલીને જઈ રહ્યા હતા. તે દરમિયાન ટાટા કંપનીના છોટા હાથી રજી.નં. જીજે-૩૬-વી-૦૬૨૪ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી કમુબેનને હડફેટે લીધા હતા. જે અકસ્મતમાં કમુબેનને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમને ચરાડવા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ હળવદ પોલીસે છોટા હાથીના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા એમવી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






