મોરબીના લખધીરપુર રોડ પર આવેલ હોલિસ સીરામીકથી એન્ટિક સીરામીક વચ્ચે ગુરુવારે મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ કોલસો ભરીને જતા જીજે-૩૪-ટી-૦૭૨૫ નંબરના ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. અને ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર ટ્રક આગ હવાલે થઈ ગયો હતો. બનાવ અંગે મોરબી ફાયર વિભાગની ટીમને જાણ થતાં ફાયર વિભાગના વસીમ મેમણ, નિલેશ રાઠોડ, રૂપેશભાઈ સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા.અને દોઢ થી બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આગનું કારણ સામેં આવ્યું ન હતું.પણ શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ લગાવાઈ રહ્યું છે. ઉદ્યોગો સાથે ધમધમતા આ વિસ્તારમાં દિવસભર વાહનોની અવરજવર રહે છે.અહીં આગજનીની ઘટના જોખમી બની રહે છે. સદનસીબે આગજનીની ઘટના ગતરોજ રાત્રીના સમયે બનેલી હોવાથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.અને કોઈ જાનહાની પણ થઈ ન હતી.