રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે મોરબી જિલ્લામાં બનતા મિલ્ક્ત સબંધી ગુનાઓ અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા સૂચન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે રેકી કરી ઘરફોડ ચોરી-લૂંટના બનાવોને અંજામ આપતી ટોળકીના ચાર ઈસમોને હથિયારો સાથે મોરબી- માળીયા, રોડ, ટીંબડી પાટીયા પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી- માળીયા, રોડ, ટીંબડી પાટીયા પાસે, સોપીંગ સેનટરની દુકાનો નજીક, ટીંબડી ગામની સીમમાં ૪ ઈસમો ઉભેલ છે. જે અનેક ચોરીના ગુન્હાઓમાં સંડોવાયેલ છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જુદી જુદી જગ્યાની રેકી કરી, અલગ-અલગ સમયે અલગ અલગ પ્રકારના ગુન્હાઓ કરવા રીઢા ચોરની ટોળકી બનાવી, ચોરીઓના ગુનાઓ આચરેલ હોય તેમજ ચોરની ટોળકી બનાવી ચોરી કરવાના સાધનો સાથે તથા હથિયાર છરી સાથે, ચોરીના ગુન્હાને અંજામ આપવાના ઇરાદે આવી હાજી અકબર માણેક (રહે. સો-ઓરડી રોડ, માળીયા વનાળીયા, રામાપીરના મંદિર સામે, ધનાભાઇ વણકરની ઓરડીમાં ભાડેથી, મોરબી-૨), એઝાજ ઉર્ફે ફારૂક સલીમભાઇ ભટી (રહે. જુના બસ સ્ટેન્ડ પાછળ, દિલ્હી દરબાર હોટલ પાછળ, મોરબી સો-ઓરડી રોડ, મોરબી), ઇંદરીશ ગુલામભાઇ મોવર (રહે. જોન્સનગર, હુશેની ચોક, લાતી પ્લોટ શેરી નં.-૧૧, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી) તથા અસલમ કાસમભાઇ કટીયા (રહે. ઇદ મસ્જીદ રોડ આઝાદ લોજ સામે, ધોબી શેરીની બાજુમાં, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી) નામના શખ્સો મળી આવતા પોલીસે આરોપીઓને ચોરીના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.