મોરબીમાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ગઈકાલે અમુક માથાભારે શખ્સો દ્વારા મકાનના વેચાણના પૈસા બાબતે એક યુવતી સાથે માથાકૂટ કરી તેના પર લોખંડનાં પાઈપ-છરી સહિતની વસ્તુઓ વડે ઘાતકી હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે પાંચ આરોપીઓ વિરોધ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આઇ પી સી કલમ ૩૨૩ ૩૨૪ ૩૩૭ ૫૦૪ ૫૦૬(૨) ૧૧૪ જીપી એકટ કલમ ૧૩૫ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદનાં એલીશબ્રીજ આંબેડકર કોલોનીમાં રહેતી નિલમબેન અનિલભાઇ જાદવ નામની યુવતીની મમ્મીએ મકાન વેચાણ કરેલ જે મકાનના વેચાણના પૈસા બાબતે સુનિલભાઇ અનિલભાઇ જાદવ નામના આરોપીને મનદુખ થતા તેણે નિલમબેન સાથે મોરબીમાં આવેલ રોહીદાસપરા મેઇન રોડ વીશીપરા ચોકી પાસે માથાકૂટ કરી હતી અને સુનિલભાઇ અનિલભાઇ જાદવ, જીગ્નેશ ઉર્ફે જીગર અનિલભાઇ જાદવ, સવિતાબેન અનિલભાઇ જાદવ, જયોતીબેન જગદીશભાઇ દાફડા અને જગદીશભાઇ બળવતભાઇ દાફડા નામના ઈસમો દ્વારા મહિલાને છરી તથા પાઇપ વડે તેમજ ઢીકાપાટુનો મારમારી ટાઇલ્સનો ઘા કરતા નીલમબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેનાં કારણે તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમજ સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.