હળવદ માળીયા હાઇવે પર સુસવાવ ગામ નજીક આજે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં સુસવાવ ગામ નજીક ટેન્કર પાછળ કાર અથડાતા કારમાં બેઠલા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે.
હળવદ હાઈવે પર અવારનવાર ગોઝારા અકસ્માતોના બનાવો બનતા હોય છે ત્યારે આજે કચ્છના ગાલા પરિવાર માટે આ અકસ્માત ચિંતાજનક બન્યો છે. મુંબઈથી કચ્છ આવી રહેલા ગાલા પરિવારના કારમાં સવાર ચાર સભ્યો પૈકી બેના ઘટના સ્થળે કરૂણ મોત નિપજયા છે.
કચ્છી પરિવાર આજે મુંબઈથી કચ્છના માંડવી તાલુકાના મોટા આંસબીયા ગામે જઈ રહ્યો હતો ત્યારે વહેલી સવારે હળવદ હાઈવેથી પસાર થઈ રહ્યા હતા. તે અરસામાં સુસવાવ ગામ પાસે જ ઈન્ડેન ગેસના ટેન્કર સાથે એમ.એચ.૦૧.બીબી.૭૫૦૭ નંબરની કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં સવાર કચ્છી જૈન (ગાલા) પરિવારના બ્રીજ બિપીનભાઈ ગાલા (ઉ.વ.ર૬) અને બિપીનભાઈ ઠાકરશીભાઈ ગાલા (ઉ.વ.૬ર)નું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. જયારે વિકી બીપીનભાઈ ગાલા અને કલ્પનાબેન બિપીનભાઈ ગાલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબ ડો.કૌશલ પટેલ દ્વારા પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા છે. હળવદ પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.