ગઈકાલે તારીખ 31 જુલાઈનાં રોજ વાંકાનેરના ગાયત્રી પીઠ સંસ્થા મુકામે વાંકાનેર અને મોરબી તાલુકાનો સયુંકત ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત મોરબી જિલ્લા સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણીએ સંગઠન મંત્ર દ્વારા કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ,વાંકાનેર ના તાલુકા અધ્યક્ષ અશોકભાઈ સતાસીયા દ્વારા આવેલ મહેમાનોનો પરિચય કરાવાયો હતો તેમજ આવેલ તમામ લોકોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ આવેલ મહેમાનોને ભારત માતાની છબી તેમજ ઉપવસ્ત્ર પ્રદાન કરીને સ્વાગત કરવામાં આવેલ હતું. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપતા હિરેનભાઈ પારેખ દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપીને જીવનમાં ગુરુનું સ્થાન અને ગુરુની મહત્તા વિશે ખૂબ જ સરસ વાત કરી હતી. ત્યારબાદ મુખ્ય વક્તા ગાયત્રી પીઠ ના મહંત અશ્વિન બાપુ દ્વારા આધ્યાત્મિક મહત્વ અને ગુરુ તરીકેનું શિક્ષકોનું સમાજમાં સ્થાન કેવું ઉચ્ચ અને પવિત્ર હોવું જોઈએ એ વાતોને ખૂબ સરળ અને હળવી શૈલીમાં સમજાવી હતી. શિક્ષકોના કર્મને શ્રેષ્ઠ બનાવી સમાજમાં પુનઃ ગુરુનું સ્થાન વૈદિક સમય જેવું બને તે માટે સાથે સાથે આશીર્વાદ પણ આપ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સામાજિક કાર્યકર મહાવીરસિંહ ઝાલા દ્વારા ખૂબ જ આધ્યાત્મિક અને ગુરુને વંદન કરનાર વાતો કહી હતી. સાથે સાથે પોતાના અનુભવ કથન કરીને ગુરુની મહત્તા સમજાવી હતી. આજ દિવસે વાંકાનેર ના કાર્યકર્તા શિક્ષક વનમાળીભાઈ સુરેલા અને સુરેશભાઈ અઘેરાનો ફરજનો અંતિમ દિવસ હોય તેમને ગાયત્રી પીઠના મહંતના આશીર્વાદ સાથે ઉપવસ્ત્ર તેમજ ભારત માતાનો ફોટો આપીને સન્માન સાથે વિદાયમાન આપવા આવેલ. આ બંને નિવૃત થતા શિક્ષકો દ્વારા ઉપસ્થિત તમામ લોકોને શ્રીમદ્દ ભગવદગીતા સપ્રેમ ભેટ આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાજકોટ વિભાગ બૌદ્ધિક પ્રમુખ ધ્રુવગીરીભાઈ ગૌસ્વામી તેમજ મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ કિરીટભાઈ દેકાવડીયા તેમજ મોરબી તાલુકા અધ્યક્ષ સંદીપભાઈ લોરીયા તેમજ તાલુકા મંત્રી રાકેશભાઈ કાંજીયા , તાલુકા ઉપાધ્યક્ષ વિક્રમભાઈ ગરચર,સંગઠનમંત્રી ધર્મેન્દ્રભાઈ કાવઠીયા તેમજ સહ મંત્રી મહાદેવભાઈ રંગપડીયા ઉપસ્થિત રહેલ.ઉપરાંત મોરબી જિલ્લા સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી તેમજ જિલ્લા પ્રચાર મંત્રી હિતેશભાઈ પંચોટીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વાંકાનેર ટીમના સિનિયર ઉપાધ્યક્ષ મંગુભાઇ પટેલ, ઉપાધ્યક્ષ પોપટભાઈ ઉતેડીયા, મંત્રી નવઘણભાઈ દેગામા તેમજ તાલુકા ટીમના જીતેન્દ્ર ભાઈ અપરનાથી, રોહિતભાઈ ખાંડેખા, હસુભાઈ પરમાર, જીવરાજભાઈ વગેરે એ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. તાલુકા યોગ શિબિર મહિલા કન્વીર દિપાલીબેન આચાર્ય તેમજ ઘણા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને અંતે સૌ ઉપસ્થિત લોકોને ગળો વેલ આપીને તેમને પોતાના સ્થાનમાં રોપવા માટે આપીને આયુર્વેદનો પ્રચાર-પ્રસાર થાય અને લોકોને ઉપયોગી થાય તે માટે આપવામાં આવેલ.આ કાર્યક્રમ નું સફળ સંચાલન ડૉ. પાયલબેન ભટ્ટ દ્વારા કરવામાં આવેલ હોવાનું વાંકાનેર તાલુકા પ્રચાર મંત્રી નિરવભાઈ બાવરવાની યાદીમાં જણાવેલ છે.