રાજ્યના હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જે આગાહી મુજબ આજે વહેલી સવારથી જ મોરબીના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે ભારે પવન ફૂંકાતા માળિયા કચ્છ હાઈવે પર આવેલ પેટ્રોલ પંપ પર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પેટ્રોલ પંપનું છાપરું તૂટી પડ્યું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
મળતી માહિતી મુજબ, માળિયા(મી) પંથકમાં આજ વહેલી સવારથી જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો. જેના કારણે મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ભારે પવનના કારણે માળિયા કચ્છ હાઈવે પર આવેલ પેટ્રોલ પંપનું છાપરું અચાનક તૂટી જવા પામ્યું હતું. જેના કારણે પેટ્રોલપંપમાં કામ કરતા લોકો અને પેટ્રોલ ડીઝલ કે સી.એન.જી ભરાવા આવેલ લોકોમાં થોડીવાર માટે અફરાતફરી મચી જવા પામી હતી. ત્યારે પેટ્રોલ પંપનું છાપરું અચાનક તૂટી પડતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે આ બનાવમાં સદનસીબે કોઈ વાહન ચાલકો કે પેટ્રોલ પંપ ના કર્મચારીઓ છાપરા હેઠળ ન હોવાથી જાનહાની થવા પામી નથી.