ગુજરાતમાં ગાંજા સહિતના કેફી દ્રવ્યો મળી આવવા કોઈ મોટી વાત રહી નથી. પરંતુ હવે પાન-બીડીની કેબીનમાં પણ ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે ! ત્યારે વાંકાનેર સીટી પોલીસે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના જુના બિલ્ડીંગની દિવાલને અડીને પાન-બીડીની કેબીનની આડમાં વેચાતા ગાંજાના જથ્થા સાથે એકને પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના જુના બિલ્ડીંગની દિવાલને અડીને ખેતીવાડી ઉત્પન બજાર સમીતીના ગેઇટ સામે જાહેર રોડ ઉ૫ર ચા-પાન-બીડીની કેબીનમાં નુરમહમદ હાજીભાઇ મકવાણા (રહે. વાંકાનેર લક્ષ્મીપરા શેરી નંબર-૨ તા.વાંકાનેર જી.મોરબી) નામનો શખ્સ ગેરકાયદેસર રીતે વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજો વેચતો હોવાની બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર રેઈડ કરી હતી. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી ગાંજાનો રૂ.૨૦૦૦/-ની કિંમતનો ૨૦૦ ગ્રામ જથ્થો આરોપી નુરમહમદ હાજીભાઇ મકવાણા પોતાના કબ્જામાં રાખી મળી આવતા પોલીસે આરોપી પાસેથી ગાંજો સહીત રૂ.૫૦૦/-ની કિંમતનો એક મોબાઈલ તથા રોકડા રૂપીયા ૧૫૦/- તથા ડીજીટલ નાનો વજન કાટો સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂ.૩૧૫૦/-ની કિંમતનો મુદામાલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી છે.