ગેરકાયદેસર કનેક્શન નહીં ચલાવી લેવાયઃ મંત્રી બ્રિજેશભાઇ મેરજા મોરબી-માળીયા વિસ્તારના પીવાના તેમજ સિંચાઇના પાણીના પ્રશ્નોને ધ્યાને લઇને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને ગત શુક્રવારે બપોરે કલેક્ટર કચેરીના સભા ખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓએ તેમના પ્રશ્નો અને ફરિયાદો રજૂ કરી હતી જેનો યોગ્ય અને હકારાત્મક નિકાલ અંગેની કાર્યવાહી કરવા અધિકારીશ્રીઓને સુચનાઓ આપવામાં આવી હતી.
કલેક્ટર કચેરીના સભા ખંડમાં પીવાના તેમજ સિંચાઇના પાણીના પ્રશ્ને યોજાયેલ બેઠકમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોઇપણ સંજોગોમાં પાણીના ગેરકાયદેસર કનેક્શન ચલાવી નહીં લેવામાં આવે. બ્રાહ્મણી ડેમમાંથી ગેરકાયદેસર રીતે લેવાયેલ પાણીના કનેક્શનને દૂર કરવા અને બ્રાહ્મણી ડેમનું પાણી ફક્ત પીવાના પાણી તરીકે જ ઉપયોગમાં લેવાના આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત સૌની યોજના અંતર્ગત વધુ ગામડાઓનો સમાવેશ કરવા માટે પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જ્યાં જરૂર પડે ત્યાં તાત્કાલીક ટેન્કર મારફતે પણ પીવાના પાણી પૂરા પાડવા અંગે પણ સુચનાઓ આપવામાં આવી હતી.
સમીક્ષા બેઠકમાં વેણાસર, ચીખલી, કુંભારીયા, રોહીશાળા, વાંકડા, મહેન્દ્રનગર, વરસામેડી, સોખડા, વીરવીદરકા, નાગડાવાસ સહિત અન્ય ગ્રામ પંચાયતોના પાણીના પ્રશ્ને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ હકારાત્મક અભિગમ રાખીને અધિકારીશ્રીઓને પ્રશ્નોનો તાત્કાલીક નીવેડો લાવવા વિવિધ સુચનો કર્યા હતા. સાથે જ તમામ સંબંધિત વિભાગોને સંકલનમાં રહીને પ્રગતિ હેઠળના અધૂરા કામો પણ તાત્કાલીક કામગીરી કરવા પણ સુચનાઓ આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેક્ટરશ્રી પરાગ જે. ભગદેવ, અધિક કલેક્ટર એન.કે. મુછાર સહિત પાણી પુરવઠા, સીંચાઇ, પી.જી.વી.સી.એલ. માર્ગ અને મકાન વિભાગ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ વિવિધ ગ્રામ પંચાયતના અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા.