લોકસભાની ચુંટણી માટેની જાહેરાત થોડા દિવસોમાં થઈ શકે છે. ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો પણ પોતપોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલાં જ અનેક પક્ષોએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ત્યારે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
માહિતી બ્યુરો, મોરબીનાં જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમા નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ ચૂંટણી યોજાય તે અંગે અધિકારીઓ તથા નોડલ ઓફીસરોને જરૂરી માર્ગદર્શન તથા સુચનાઓ આપી હતી. આ બેઠકમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં જિલ્લામાં લોકસભાની ચૂંટણી યોજવા અંગે આદર્શ આચારસંહિતાના અમલ બાબતે જિલ્લા ચૂંટણી અધિકારીએ જરૂરી સુચનાઓ આપી હતી. આ બેઠકમા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા, ખર્ચ મોનિટરિંગ નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, આચારસંહિતા (MCC) નોડલ ઓફિસર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ. ગઢવી, ટ્રેનીંગ મેનેજમેન્ટ અને ઈલેક્ટ્રોલ રોલ નોડલ અને જિલ્લા પુરવઠા અધિકારી સંદીપકુમાર વર્મા તથા અન્ય નોડલ ઓફીસરો હાજર રહ્યા હતા.