આઝાદીના સાત દાયકા બાદ પણ શહેરીકરણ અને આધુનિકીકરણ પર વર્ણવ્યવસ્થા હાવી છે. અત્યાર સુધી માનવામાં આવતું હતું કે, શહેરીકરણ, ઉદારીકરણ અને આધુનિકીકરણના કારણે જાતિવાદ દુર થઈ રહ્યો છે. પરંતુ હજુ પણ કેટલાક લોકો એવા છે કે જે જાતિવાદમાં હજુ પણ મને છે. ત્યારે આવું જ કંઈક વાંકાનેરમાં કેરાળા ગામે બન્યું છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૦૭/૦૫/૨૦૨૨ના રોજ કેરાળા ગામમાં આરોગ્ય ખાતાના સબ સેન્ટરમા કેરાળા ગ્રામ પંચાયતની બેઠક મળી હતી. જેમાં નરગીશબેન આરીફભાઇ બાદી કે જે સવર્ણ જાતિના હોય તેઓએ અનુ.જાતિના કેરાળા ગ્રામ પંચાયતના સભ્ય તથા સામાજીક ન્યાય સમીતી ચેરમેન રમેશભાઇ દામજીભાઇ લઢેર નામના શખ્સને ગ્રામ પંચાયતની બેઠકમાં રમેશભાઇની જ્ઞાતિ વિશે અપમાનજનક શબ્દો બોલતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. જેને લઇ છેલ્લા ઘણા સમયથી તપાસ ચાલી રહી હતી. ત્યારે આ મામલે નાયબ પોલીસ અધિક્ષકને જાણ થતા નાયબ પોલીસ અધિક્ષકે એસ.સી./ એસટી સેલ તરફથી ફરીયાદ દાખલ કરવાનો હુકમ કરતા આ મામલે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.