મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બની દિનપ્રતિદિન જિલ્લાની શાંતિને ભંગ કરવાનો પ્રયત્ન કરતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગઈકાલે વધુ એક અસામાજિક તત્વોના આતંકની ઘટના હળવદમાંથી સામે આવી હતી. જેમાં ગાળો બોલવાની ના પાડતા ત્રણ મહિલા સહીત ચાર ઈસમોએ એક આધેડ મહિલાને ઢોર માર માર્યો હતો. જે સમગ્ર મામલે હળવદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ વીનોબા ગ્રાઉન્ડ ખાતે રહેતા કંચનબેન સોમાભાઇ રાઠોડના ઘર પાસે બબાભાઇ રામભાઇ બજાણીયા નામનો ઈસમ ભુંડા બોલી ગાળો બોલતા હોય જેથી મહિલાએ તેને ગાળો બોલવાની ના પાડતા આરોપી બબાભાઇ એકદમ ઉશકેરાઇ જઇ “ગાળો તો બોલીસ તારે થાય તેમ કરી લે” તેમ કહી ઘરમાથી ધોકા લાવી આધેડ મહિલાને ગાલ ઉપર માર મારી ચારેક ટાંકા જેવી ગંભીર ઇજા કરી તેમજ ધોરીબેન, રૂપાબેન અને નીતાબેને આધેડ મહિલાને ઢીક પાટુ વતી મુઢ માર મારી ઈજાઓ પહોંચાડતા કંચનબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જે સમગ્ર મામલે હળવદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.