ચોથી જાગીર પર કરાયેલા સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો : 85 ટકા રિપોર્ટરને પરિવારને સમય નહીં આપ્યાનો વસવસો : મહામારીમાં 94.10 ટકા ખબરપત્રીને સતાવતી હતી પરિવારની ચિંતા
વર્ષ 2020 માં કોરોના મહામારીમાં જેમ ડોક્ટરો, નર્સો, પોલીસકર્મીઓ, કોરોના વોરિયર્સ બન્યા છે ત્યારે તેમાં મીડિયાકર્મીઓ પણ બાકાત નથી. એ સંદર્ભે મીડિયાકર્મીઓ કેવા પ્રકારનો મનોશારીરિક મનોભાર અનુભવે છે તે વિશે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા આર. દોશી અને અધ્યક્ષ ડો. યોગેશ એ.જોગસણે 118 મીડિયાકર્મીઓ પર ગુગલફોર્મના માધ્યમ દ્વારા એક સર્વે કર્યો જેમાં અનેક ચોંકાવનારા તારણો જાણવા મળ્યા છે.
મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ તેમજ અધ્યાપક ડો. ધારા આર. દોશીના આ સર્વે દરમિયાન પત્રકાર/ રોપોર્ટરોએ પોતાના મંતવ્યો વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે કોરોનાકાળ દરમ્યાન તમામ વર્ગના લોકો તરફથી પોઝિટિવ પ્રતિસાદ મળ્યો છે પણ કેટલાક આરોપ અને ખીલ્લી કરતા લોકોથી તકલીફ પણ અનુભવી છે. લોકોએ કોરોના મહામારી દરમ્યાન અમારી કામગીરીને બિરદાવી અને કોરોના વોરિયર તરીકેનું બિરુદ આપ્યું છે, મને પત્રકાર હોવાનો ગર્વ છે અને કોરોના કાળમાં મારી ફરજ નિભાવવનો મને વિશેષ આનંદ હતો. પરિવારના સભ્યો, મિત્રો, સાથી કર્મચારીઓના સાથ સહકારથી હિંમતમાં વધારો થયો છે. લોકડાઉનમાં જે કામ કરવાનો અનુભવ આજીવન સંભારણું બની રહેશે, કોરોના પહેલા અને હવે લોકો તરફથી અલગ જ પ્રતિસાદ મળે છે ઉપરાંત ત્યારે એવું લાગ્યું કે પત્રકાર છે તો લોકોને પળ પળની ખબર મળતી રહે છે અને લોકો બધી બાબતોથી જાણકાર રહે છે. શું કરવું ? શું ન કરવું ? એ બધાનો ખ્યાલ લોકોને ત્યારે આવ્યો છે. લોકડાઉન અને મહામારીમાં સમગ્ર જગતમાં આર્થિક ક્રાઈસીસ સર્જાણી તેની અસર અસંખ્ય લોકો પર થઇ છે. કોરોના કાળમાં જે પગાર કાપ 30% આજુબાજુ આવ્યો તેની અસરો પણ ઘણી જોવા મળે છે.
આ સર્વે દરમિયાન પત્રકારોએ ઉમેર્યું હતું કે, એક સમય એવો હતો તમામ લોકો જંગલેશ્વરમાં જવાની ના પાડતા પણ તેઓ પ્રથમ કેસ જે ગુજરાતમાં આવ્યો એ રાજકોટનો હતો અને એ વ્યક્તિનું ઈન્ટરવ્યું કર્યું અને જંગલેશ્વર જેવા વિસ્તારમાં સાવચેતી સાથે કામ કરવા મળ્યું અને તમામ સ્થળે ગયા સાથે જ પરપ્રાંતીય લોકો તેમના વતનમાં જવા માંગતા પણ મીડિયા કર્મીની વાતો સાંભળતા અને બે દિવસ માટે રાહ જોવા એ લોકો તૈયાર થયા અને તંત્ર સાથે પણ રહ્યા હતા છતાં મીડિયા કર્મચારીઓ પર હિંસક હુમલાઓ થાય ત્યારે દીલ દ્રવી ઉઠે છે, કોરોનાકાળ દરમિયાન કામ કરવું ચેલેન્જિંગ હતું, ખાસ કરીને જ્યાં કંટેંટમેંટ એરિયામાં રીપોર્ટીંગ કરવાનું હતું. કોવિડ હોસ્પિટલમાં જઈને રીપોર્ટીંગ કરવાનું હતું. આ પ્રકારની કામગીરી કારકિર્દીની યાદગાર કામગીરી રહેશે જેમાં ડો. યોગેશ એ. જોગસણ (અધ્યક્ષ) અને ડો. ધારા આર. દોશી (અધ્યાપક) મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા આ સર્વેને કાબીલેદાદ ગણવામાં આવે છે.