મહિલા ખેડૂતોને કૃષિ સંલગ્ન અન્ય વ્યવ્યસાય અંગે માહિતગાર કરી વિશ્વ મહિલા દિનની ઉજવણી કરાઇ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-મોરબી અને આત્મા પ્રોજેક્ટનાં સંયુક્ત ઉપક્રમે મહિલા ખેડૂતોને ખેતી સંલગ્ન અન્ય વ્યવસાય અંગેની માહિતી આપી વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાના વિવિધ સ્થાનોની મહિલા ખેડુત બહેનોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં ખેતીવાડી અધિકારી ગમનસિંહ ઝાલા અને સીનીયર સાયન્ટીસ્ટ અને હેડ ડૉ. એલ. એલ. જીવાણીએ ખેતી સાથે પશુપાલન અંગેનું મહત્વ સમજાવ્યુ હતું. ડૉ. હેમાંગીબહેન ડી. મહેતા વૈજ્ઞાનિકએ ખેડુત મહિલાઓને મહિલા સશક્તિકરણ કરવા માટે પ્રેરણા આપી હતી. મહિલા અને પુરુષ એક સિક્કાની બે બાજુઓ છે જેથી તેનો વિકાસ પણ સમાન રીતે થવો જોઇએ. તેમણે મહિલાઓને આર્થિક રીતે પગભર થઇ આત્મનિર્ભર બનવા આહ્વાન કર્યું હતું. ખેતી સાથે સંલગ્ન અન્ય વ્યવસાય કરવાથી આવકમાં કેવી રીતે વધારો કરી શકાય તે અંગે પણ મહિલા ખેડૂતોને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટમાંથી દિલીપભાઇ સી. ઝાલરીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનાં અંતમાં ખેતીવાડી અધિકારી વિનુજી ઠાકોરએ આવેલ તમામ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો.