લોકડાઉન દરમિયાન માધ્યમોએ જનજાગૃતિનું કાર્ય સુપેરે નિભાવ્યુઃ ડૉ. શિરીષ કાશીકર
ગુજરાત પ્રેસ અકાદમી અને જિલ્લા માહિતી કચેરી-મોરબીના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે ‘‘કોરોના મહામારી દરમિયાન મીડિયાની ભૂમિકા અને તેની અસરો’’ વિષય અંતર્ગત તા.૧૯/૧૧/૨૦૨૦નાં રોજ વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
વેબીનારનાં મુખ્ય વકતા અને માર્ગદર્શક શ્રી શિરીષભાઈ કાશીકર (ડાયરેકટર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, અમદાવાદ) દ્વારા વેબીનારમાં પોતાના પ્રતિભાવો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં મીડિયાની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી છે. શ્રી કાશીકરે સંસ્થા દ્વારા કરાયેલ સર્વેમાં વિવિધ તથ્યો અને આંકડાઓ રજૂ કરી વિવિધ વિષયોને આવરી લઇ મીડિયાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. વધુમાં શ્રી કાશીકરે જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન ડિજીટલ મીડિયાની ભૂમિકા મહત્વની સાબિત થઇ હતી. કોરોના કાળમાં લોકોએ મીડિયા પર ભરોસો જાળવી રાખ્યો હતો. લોકડાઉનના સમયગાળા દરમિયાન લોકોમાં કોરોના અંગેની જનજાગૃતિ સૌથી મોટો પડકાર હતો, તે કામગીરીમાં માધ્યમોએ સંયમ દાખી હકારાત્મક વિગતો સાથે સરકાર દ્વારા કરવામાં આવતી ઉત્તમ કામગીરી લોકો સુધી પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો.
કોરોના કાળમાં પ્રિન્ટ મીડિયાને પડેલી મુશ્કેલીઓ અંગે વાત કરતાં જણાવ્યું કે, પ્રિન્ટ મીડિયાના સરક્યુલેશનમાં ઘટાડો, ફેરિયાઓને પડતી મુશ્કેલી, છાપાના કાગળ પર કોરોના વાયરસ ફેલાવવાનો ડર જેવી અનેક મુશ્કેલીઓનો સામનો લોકડાઉન દરમિયાન થયો હતો. પ્રિન્ટ મીડિયાએ પોતાની વેબસાઇટ સુપર એક્ટીવ મોડમાં લાવીને પ્રિન્ટ મીડિયાને નવી દિશા બતાવવાનું કામ કર્યું.
વેબીનારમાં જિલ્લા માહિતી કચેરી મોરબીના સહાયક માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવાએ પ્રારંભે સૌ સહભાગી પત્રકાર મિત્રોને આવકારી વેબીનારની ભૂમિકા સ્પષ્ટ કરી વિષય અંતર્ગત મોરબીના મીડિયા દ્વારા કરવામાં આવેલ કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. કોરોના મહામારી દરમિયાન મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, જિલ્લા વહિવટી તંત્ર, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર, એસોસિએશન, સામાજિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીનું સંકલન કરવા પણ આહ્વાન કર્યું હતું. કાર્યક્રમના અંતે મોરબીના સ્થાનિક પત્રકારોએ કોરોના કાળ દરમિયાન મીડિયા દ્વારા કરવામાં આવેલ કામગીરીનો ઉલ્લેખ કરી લોકડાઉન સમયે કોઇ પણ વ્યક્તિ ભૂખ્યો ન સુવે તે કામગીરીનું સંકલન પત્રકારો દ્વારા કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું. તો લોકડાઉન દરમિયાન જિલ્લા-રાજ્ય બહાર જવાની વ્યવસ્થાઓ અંગે પરપ્રાંતિયોને તેમની ભાષામાં માહિતી પહોંચાડવાનું અગત્યનું કામ પણ મોરબીના મીડિયાના મિત્રો દ્વારા કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું.